ધાર્મિક સ્થળો પરના ૧૦,૯૨૩ લાઉડસ્પિકર હટાવાયા

41

ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે ઝૂંબેશ : ૩૫૨૨૧ લાઉડસ્પીકર નિર્ધારિત ધોરણો મુજબ જણાયા
લખનૌ, તા.૨૮
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ બાદ ઉત્તર પ્રદેશના ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા લાઉડસ્પીકર સામે યુપી સરકારનું અભિયાન જારી છે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીના નિર્દેશ બાદ બુધવારે સાંજ સુધીમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ ૧૦૯૨૩ ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે જ્યારે ૩૫૨૨૧ લાઉડસ્પીકર નિર્ધારિત ધોરણો મુજબ કરાવવામાં આવ્યા હતા. સરકારે બધા જિલ્લાઓના પોલીસ કેપ્ટનો અને કમિશનરેટથી ૩૦ એપ્રિલ સુધી ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલા લાઉડસ્પીકર સામે અભિયાન ચલાવીને રિપોર્ટ તંત્રને મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ નક્કી માપદંડો અનુસાર જ કરવાની વાત કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, નવા ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર નહીં લગાવવા. આ ઉપરાંત ધર્મગુરૂઓ સાથે વાતચીત કરીને પરસ્પર સહમતિથી લાઉડસ્પીકર ઉતારવા અને અવાજ ઓછો કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલી પોલીસે આ અભિયાન ચલાવ્યું છે. આગ્રા ઝોન, મેરઠ ઝોન ૧૨૦૪, બરેલી ઝોન ૧૦૭૦, લખનૌ ઝોન ૨૩૯૫, કાનપુર ઝોન, ૧૦૫૬, પ્રયાગરાજ ઝોન ૧૧૭૨, ગોરખપુર ઝોન ૧૭૮૮, વારાણસી ઝોન ૧૩૬૬, કાનપુર કમિશનરેટ ૮૦, લખનૌ કમિશનરેટ ૧૯૦, ગૌતમબુદ્ધનગર કમિશનરેટ ૧૯ અને વારાણસી કમિશનરેટ ૧૭૦ લાઉડસ્પીકર ઉતારવામાં આવ્યા છે. અધિક મુખ્ય સચિવ અવેશ અવસ્થીએ કમિશનરેટ જિલ્લાઓના પોલીસ અધિકારીઓ અને પોલીસ કમિશનરોને ધર્મગુરુઓ સાથે વાતચીત કરીને ગેરકાયદે લાઉડસ્પીકર દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે, જેઓ કાયદેસર છે તેમના અવાજના નિર્ધારિત ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. ૧૦ માર્ચ ૨૦૧૮ અને ૪ જાન્યુઆરી ૨૦૧૮ના આદેશનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું છે કે નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, એવા ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવે જ્યાં નિયમોની અવગણના થઈ રહી હોય.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩,૩૦૩ નવા કેસ
Next articleજમ્મુને હચમચાવી નાખવાનું આતંકી ષડયંત્ર નિષ્ફળ, બત્રા નજીક હાઇવે પરથી આઇડી મળી આવ્યો