ઉ.પશ્ચિમી-મધ્ય ભારતમાં ગરમીએ ૧૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો

205

સમગ્ર દેશમાં અંગ દઝાડતી ગરમીથી હાહાકાર : બાંદામાં ૪૭.૨ ડીગ્રી : દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતા ચાર ડિગ્રી તાપમાન વધારે જોવા મળ્યું હતું
નવી દિલ્હી, તા.૩૦
આખા દેશમાં અંગ દઝાડતી પ્રચંડ ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે તો નાના બાળકો અને વૃધ્ધ લોકોને ઘરની બહાર નિકળવા સામે પણ ચેતવણી આપી છે. ગરમીએ ૧૨૨ વર્ષ જુનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવમાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર પશ્ચિમી અને મધ્ય ભારતમાં સરેરાશ તાપમાન ૧૨૨ વર્ષમાં અનુક્રમે ૩૫.૯૦ ડિગ્રી અને ૩૭.૭૮ ડિગ્રી સાથે સૌથી વધારે રહ્યુ છે. દિલ્હી, હરિયાણા, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં સામાન્ય કરતા ચાર ડિગ્રી તાપમાન વધારે રહ્યુ છે. શુક્રવારે તાપમાનની વાત કરવામાં આવે તો આખા દેશમાં યુપીમાં બાંદામાં ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. આ સિવાય મહારાષ્ટ્રના ચંદ્રપુર તેમજ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ૪૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. મધ્યપ્રદેશના ખજુરાહોમાં ૪૫.૪ ડિગ્રી, દિલ્હીના નઝફગઢમાં ૪૫.૯ ડિગ્રી તેમજ હરિયાણાના ગૂડગાંવમાં ૪૫.૯ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો હતો. હવામાન વિભાગનુ કહેવુ છે કે, ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં હીટ વેવથી આગામી દિવસોમાં રાહત મળે તેમ નથી. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, રાજસ્થાન તેમજ એમપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.
સમય પહેલા જ પડી રહેલી ગરમીના કારણે ભારત સહિત દક્ષિણ એશિયાના એક અબજથી વધારે લોકો ભયંકર ગરમી અને લૂના થપેડાનો માર સહન કરી રહ્યા છે. ડોકટરોનુ કહેવુ છે કે, કોરોના કરતા પણ અત્યારે વધારે ચિંતા લૂની છે.લોકો ગરમીના કારણે વધારે બીમાર પડી રહ્યા છે. દરમિયાનમાં સૂરજદાદાએ અમદાવાદીઓ પર કેર વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. શહેરમાં સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી હતું, ગુરુવારે ૪૪.૪ ડિગ્રી અને શુક્રવારે ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં પણ રાહત મળવાના કોઈ આસાર નથી. શનિવારે પણ તાપમાનનો પારો ૪૪-૪૫ ડિગ્રીની વચ્ચે રહ્યું છે. ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં પણ હીટવેવની સ્થિતિ રહી હતી. હવામાન વિભાગની આ જિલ્લાઓમાં શનિવારે પણ હીટવેવી સ્થિતિ યથાવત્‌ રહેવાની આગાહી સાચી પડી હતી. આગામી ૩-૪ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પાછળના બે દિવસોમાં તાપમાનમાં ૨-૩ ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
ગુજરાતના હવામાન ખાતાના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, પવનની દિશાના કારણે આગામી દિવસો સુધી તાપમાનનો પારો ઊંચો રહેશે. તેમણે કહ્યું, હાલ વાયવ્ય દિશામાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે જેના લીધે રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. ઘણીવાર પવનની દિશા બદલાતાં રાહત મળતી હોય છે. અરબી સમુદ્ર પરથી ફૂંકાતા પવનો ભેજ લઈને આવે છે. પરંતુ હાલ તો આવું નથી થઈ રહ્યું. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થોડા દિવસો સુધી તાપમાનનો પારો ઊંચો રહેશે. પ્રચંડ ગરમીના કારણે શહેરના રસ્તા પર પણ નજીવો ટ્રાફિક જોવા મળ્યો હતો. શહેરીજનોએ રાતના નવ વાગ્યા પછી જ ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. ડૉક્ટરોનું કહેવું છે કે, લાંબો સમય સુધી આકરા તાપમાં રહેવાથી થાક, માથા અને શરીરમાં દુઃખાવો, પેટમાં ગરબડ અને ઝાડા જેવી તકલીફો થઈ શકે છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૮૮ નવા કેસ સામે આવ્યા
Next articleપટિયાલામાં ઈન્ટરનેટ બંધ, ૩ પોલીસ અધિકારીને હટાવાયા