સ્પેનમાં કામદારોની અછત, વર્ક વિઝાના નિયમો હળવા કરાશે

31

સ્પેનમાં ટુરિઝમ, ખેતીવાડી, કન્સ્ટ્રક્શન અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરે તેવા લોકોની ભારે અછત જોવા મળી રહી છે
મેડ્રિડ, તા.૫
કોવિડની બીજી કે ત્રીજી લહેર પછી દુનિયાભરના દેશો ખુલી ગયા છે અને જુદા જુદા સેક્ટરમાં કામદારોની ભારે અછત છે. ખાસ કરીને યુરોપના દેશો વર્કફોર્સની અછતનો સામનો કરી રહ્યા છે જેમાં સ્પેન પણ સામેલ છે. સ્પેને લેબરની તંગી દૂર કરવા માટે વર્ક વિઝાની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. કોવિડ નિયંત્રણમાં આવ્યા પછી ટુરિઝમ અને બાંધકામ સેક્ટરમાં પુષ્કળ જોબ પેદા થઈ છે અને આ કામ માટે માણસોની અછત છે. સ્પેને જણાવ્યું છે કે તે વિદેશીઓ માટે વર્ક પરમિટના નિયમો હળવા કરવાનું વિચારી રહ્યું છે. સ્પેનના સામાજિક સુરક્ષા અને માઈગ્રેશન મંત્રી જોસ લૂઈસ એસ્ક્રીવાએ જણાવ્યું કે જે સેક્ટરમાં કામદારોની જરૂર છે તેમાં બહારથી લોકોને લાવવા માટે સ્પેન વધુ સંખ્યામાં ટેમ્પરરી વિઝા ઈશ્યૂ કરશે. તેમણે જણાવ્યું કે અમે માઈગ્રેશન કાયદાના જુદા જુદા પાસાનો અભ્યાસ કર્યો છે અને જ્યાં સુધારા શક્ય છે ત્યાં ફેરફાર કરવાના છીએ.સ્પેનમાં અત્યારે ટુરિઝમ, ખેતીવાડી, કન્સ્ટ્રક્શન અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી શકે તેવા લોકોની ભારે અછત છે. સરકાર ૫૦ હજાર જેટલા બિન-ઇયુ વિદ્યાર્થીઓને ભણવાની સાથેસાથે કામ કરવાની પણ મંજૂરી આપવા વિચારે છે. જે લોકો પરિવાર દ્વારા સ્પેન સાથેના જૂના સંબંધ દર્શાવી શકે તેમને કામ કરવાની પરમિટ આપવામાં આવશે. સ્પેનમાં તાત્કાલિક ભરવાની હોય તેવી જોબમાં ટેલિમાર્કેટર્સ, સેલ્સ રિપ્રેઝન્ટેટિવ, ડિલિવરી વ્હીકલ્સના ડ્રાઈવર્સ અને સોફ્ટવેર ડેવલપર્સનો સમાવેશ થાય છે. સ્પેનના ટુરિઝમ ઉદ્યોગમાં જોરદાર રિબાઉન્ડ આવ્યું છે પરંતુ કંપનીઓ લેબરની અછતનો સામનો કરે છે. રેસ્ટોરન્ટમાં ટેબલ સાફ કરી શકે અથવા હોટેલમાં રૂમ સાફ કરી શકે તેવા લોકોની ઘણી અછત છે. શુક્રવારે સ્પેનમાં એસ એન્ડ પી માસિક પરચેઝિંગ પાવર સરવે બહાર પડ્યો હતો. તેમાં દર્શાવાયું હતું કે મે મહિનામાં સારી ડિમાન્ડ રહી હોવા છતાં બિઝનેસ અપેક્ષા મુજબ વૃદ્ધિ કરી શક્યા ન હતા કારણ કે તેમને કામદારો શોધવામાં મુશ્કેલી નડી રહી છે. તેના કારણે જે કામદારો કામ કરવાની તૈયારીમાં છે તેના પગારમાં પણ તીવ્ર વધારો થયો છે. કોવિડ દરમિયાન સમગ્ર યુરોપમાં સ્પેનના અર્થતંત્રને સૌથી વધારે નુકસાન થયું હતું અને કોવિડ દરમિયાન તેમાં ૧૧ ટકા સંકોચન નોંધાયું હતું. યુરોપીયન સ્ટાન્ડર્ડથી જોવામાં આવે તો સ્પેનમાં બેરોજગાદીનો દર પણ ઘણો ઉંચો છે.

Previous articleએક જ પરિવારના ૫ સભ્યોએ આત્મહત્યા કરતા ભારે હડકંપ
Next articleવિકટોરીયા પાર્ક ખાતે આખો દીવસ પ્રક્રૃતિ ના સાનિધ્યમાં રહી પર્યાવરણ દિન ની ઉજવણી કરતાં સ્કાઉટ ગાઈડ