૧૩૨ દિવસ બાદ કોરોનાના નવા કેસ ૩૦ હજારથી ઓછાઃ ૪૧૫ દર્દીઓના મોત

574

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૭
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં ૧૩૨ દિવસ બાદ કોરોના સંક્રમણના ૩૦ હજારથી ઓછા કેસ દર્જ કરવામાં આવ્યા છે. જોકે, આ દરમિયાન ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ ૪૨ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા ૧૨૪ દિવસ બાદ ૪ લાખથી ઓછી થઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર આંકડા અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૯,૬૮૯ નવા કેસ મળ્યા છે. જ્યારે ૪૧૫ લોકોના મોત થયા છે. આ સાથે જ ૪૨,૩૬૩ લોકો ડિસ્ચાર્જ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૦૮૯ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં ૩,૯૮,૧૦૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ અત્યાર સુધી ૩,૦૬,૨૧,૪૬૯ દર્દી કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે જ્યારે ૪,૨૧,૩૮ લોકોના મોત થઇ ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ ૩૧,૪૪૦,૯૫૧ કેસ થઇ ચુક્યા છે. આઇસીએમઆર અનુસાર દેશમાં સોમવારે ૧૭,૨૦,૧૧૦ સેમ્પલની તપાસ થઇ છે. અત્યાર સુધી દેશમાં ૪,૫૯,૧૬,૪૧૨૧ સેમ્પલની તપાસ થઇ છે. મંત્રાલયે સાથે જ જણાવ્યુ કે દેશમાં અત્યાર સુધી કોવિડ-૧૯ની રસીના કુલ ડોઝની સંખ્યા ૪૪.૧૯ કરોડને પાર કરી ગઇ છે.મંત્રાલયે કહ્યુ કે એક અન્ય મહત્વપૂર્ણ સિદ્ધિમાં મહારાષ્ટ્ર સોમવારે એક કરોડથી વધુ લોકોને કોવિડ-૧૯ રસીના બન્ને ડોઝ આપનાર પ્રથમ રાજ્ય બની ગયુ છે. મંત્રાલયે કહ્યુ કે સોમવારે રસીના ૬૬ લાખ ડોઝ આપવામાં આવ્યા, તેમણે કહ્યુ કે ૧૮-૪૪ વર્ષની ઉંમર ધરાવતા લોકોને ૭,૨૦,૯૦૦ રસી પ્રથમ ડોઝના રૂપમાં અને ૩,૪૯,૪૯૬ રસીના બીજા ડોઝના રૂપમાં આપવામાં આવી હતી. રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ દેશભરમાં ૧૮-૪૪ વર્ષની ઉંમર ધરાવતા વર્ગના કુલ ૧૪,૧૯,૫૫,૯૯૫ લોકોને તેમનો પ્રથમ ડોઝ અને ૬૫,૭૨,૬૭૮ લોકોને બીજો ડોઝ મળી ચુક્યો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ૧૮-૪૪ વર્ષની ઉંમર ધરાવતા લોકોને કોવિડ-૧૯ રસીના એક કરોડ ડોઝથી વધુ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યુ કે આંધ્ર પ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, ઝારખંડ, કેરળ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળે ૧૮-૪૪ વર્ષની ઉંમર ધરાવતા વર્ગના ૧૦ લાખથી વધુ લાભાર્થીઓને કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
મંત્રાલયે કોરોના રસીકરણના ડેટાની વિગતો આપતા જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કોરોના વેક્સિનના બન્ને ડોઝ લેનારા લોકોનો આંક એક કરોડને પાર ગયો છે. મહારાષ્ટ્ર રસીના બે ડોઝ એક કરોડથી વધુ લોકોને આપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ગત સપ્તાહે દેશમાં દૈનિક સરેરાશ ૪૧ લાખ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા ૨૬ જૂનના સમાપ્ત થયેલા સપ્તાહમાં સરેરાશ ૬૫ લાખ ડોઝની તુલનાએ આ ઘટાડો સુચવે છે.

Previous articleઆસામ-મિઝોરમની સરહદે CRPF ની બે કંપની તૈનાત
Next articleભિખારીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી