ભિખારીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ સુપ્રિમ કોર્ટે ફગાવી

718

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૨૭
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભીખ માંગવી એ સામાજિક અને આર્થિક સમસ્યા અને રોજગાર તેમજ શિક્ષાના અભાવે અમુક લોકો પોતાની પાયાની જરુરિયાત પુરી કરવા માટે ભીખ માંગવા માટે મજબૂર થાય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને તે અરજી પર જવાબ રજૂ કરવાનું કહ્યું છે જેમાં કહેવામાં આવ્યુ છે કે જે ભિખારી રોડ પર ફરે છે તેમનું કોવિડને ધ્યાનમાં રાખીને પુનર્વાસ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂરની આગેવાની વાળી બેન્ચે મંગળવારે કહ્યું કે અનેક લોકોના જીવનમાં શિક્ષા અને રોજગારનો અભાવ હોય છે. તેમણે જીવન જીવવા માટે પાયાની જરુરિયાતો પુરી કરવાની હોય છે, માટે તેઓ ભીખ માંગવા પર મજબૂર થાય છે. સુપ્રીમે અરજી કરનારના વકીલને કહ્યું કે તે અરજી પર વિચાર નહીં કરે જેમાં કહેવામાં આવ્યું છે કે રોડ પર ભીખ માંગનારા અથવા બેઘર લોકોને હટાવવાનો આદેશ આપવામાં આવે. અન્ય એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે રોડ પર ફરનારા ઘર વગરના લોકો અને ભીખ માંગનારા લોકોનું કોરોનાને ધ્યાનમાં રાખીને રસીકરણ કરવું જોઈએ અને તેમના રહેઠાણની વ્યવસ્થા કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, સુપ્રીમ કોર્ટ તરીકે અમે ક્રૂર નિર્ણય ના લઈ શકીએ કે કોઈ પણ ભીખ માંગનાર રોડ પર દેખાવો ના જોઈએ. ગરીબી એક સમસ્યા છે અને સાથે જ તે સામાજિક અને આર્થિક સમસ્યાઓને કારણે ઉદ્દભવે છે. તેમના બાળકોને શિક્ષણ આપવું જોઈએ. આ એક વ્યાપક મુદ્દો છે અને સામાજિક વેલફેર સ્કીમનો મુદ્દો છે.સુપ્રીમ કોર્ટે આ કેસમાં સૉલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે તે આ કેસમાં સહયોગ કરે અને સુનાવણી બે અઠવાડિયા સુધી ટાળવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર પક્ષના વકીલે કહ્યું કે કોવિડની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઘણો મહત્વનો છે.

Previous article૧૩૨ દિવસ બાદ કોરોનાના નવા કેસ ૩૦ હજારથી ઓછાઃ ૪૧૫ દર્દીઓના મોત
Next articleસીએએ માટે નિયમો બનાવવા વધુ છ મહિનાનો ગૃહ મંત્રાલયે સમય માંગ્યો