નવ નિર્મિત બ્રિજનુ્‌ં કંકોડા બ્રિજ તરીકે નામાભિધાન કરવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઇ ગઇ(બખડ જંતર)

24

બખડજંતર ચેનલ તરફથી હું એટલે ગિરધર ગરબડીયા-મુખ્ય-ગૌણ જે કંઇ કહો તે રિપોર્ટર અને કેમેરામેન રાજુ રદી એક નગરપાલિકાની બેઠકનું કવરેજ કરવા સ્પોટ પર પહોંચ્યા.
બેઠકમાં ભાગ લેનારને પરિમલ ગાર્ડનમાં ટહેલતા હોય તેમ આવી રહ્યા છે. તેમના મુખકમળ ગુટકા,પડીકીને ન્યાય આપી રહ્યા છે. જો કે, બેઠકના હોલની દિવાલો પર તમાકુ ચાવવી અપરાધ છે, તેના માટે ફલાણા કાયદાની ઢીંકણી કલમ મુજબ દંડ થઇ શકે છે.ઝભ્ભા-લેંઘા- કોટીમાં સજ્જ સભ્યશ્રીઓ થિયેટરના કલાકોરો સમાન ભાસતા હતા.
બેઠક શરૂ થવામાં વાર હતી. બે-ત્રણ સભ્યોએ શાક માર્કેટમાં રીંગણા સો ના કિલો એવી બૂમ મારતા બકાલીની જેમ ગરમી બહુ છે, એસી મિનિમમ ટેમ્પરેચર પર સેટ કરવા સેવકોને આદેશ આપતા હતા. ત્રણ-તાર ભૂખાળવા( આમ તો દરેક ખાવા માટે તલપાપડ હોય!! હાઇ કિમાન્ડ ભલે ખંગ ખાય નહીં અને ખાવા દેવાની મનાઇ ફરમાવે) સભ્યોએ પ્રલંબ બગાસાંની શૃંખલા વચ્ચે ચપટી વગાડીને નાસ્તો ન આપો તો કાંઇ નહીં પણ હાઇકલાલાસ ચા તો પિવડાવો એવી પેયાત્મક અપીલ-આદેશ કરતા હતા. થોડાંક સભ્યો બેઠકના સભ્યો સમય અંગે કચકચ કરતા હતા. કેટલાક એજન્ડા શું છે તેની પૃચ્છા કરતા હતા. ટુંકમાં બેઠક પહેલાંનો પ્રમાદાત્મક માહોલ .સેક્રેટરી જેવો દેખાતો બુડથલ બાબુ માઇક ટેસ્ટિંગ હેલાવ હેલાવ કરતો હતો.
પ્રમુખ સાહેબ પધાર્યા. બધા મને કમને ઉભા થઇ આદર આપવાનો ડોળ કર્યો.જાતજાતની જય બોલાઇ. કમિશનર શાંતિ જાળવવા વિનંતી કરી અને બેઠક શરૂ કરવા અનુમતિ માંગી. પ્રમુખે ડોકું હકારમાં ધુણાવી સંમતિ આપી. કમિશનરે પ્રારંભિક ઉદબોધન કરવા પ્રમુખને વિનંતી કરી.
પ્રમુખે “ભાઇઓ.,,. “કહી બોલવાનું શરૂં કર્યું.
“સાહેબ અમારી હાજરીની નોંધ લેજો “પ્રમુખની માનીતી છમકછલ્લોએ કામુક અંદાજમાં કોમેન્ટ કરી.
“તમારી તો દિવસ કરતાં રાતે પણ નોંધ લઇએ છીએ.”લાળ ટપકાવતા પ્રમુખ મહોદય વદ્યા!!
“ સાહેબ, બેઠકનો આ એજન્ડા નથી. બેઠક પછી રસિક થજો. “ પ્રમુખ વિરોધી દળના અસંતુષ્ટ પ્રમુખની ફિરકી લીધી.
નગરપાલિકાએ બનાવેલ બ્રિજના નામકરણ માટે ખાસ બેઠક બોલાવેલી.
બેઠકની પ્રારંભમાં વિવાદનો મધપૂડો છેડી શાસકપક્ષના અને હાલના પ્રમુખને દબડાવી પ્રમુખ થવાના દિવાસ્વપ્નો જોતાં સભ્યે સિકસર ફટકારતા કહ્યું,” પપ્પુ પુલ નામ રાખીએ “
સામેવાળા ઉભા થઇ ગયા . કાગળો ફાડ્યા,ઉછાળ્યા. કૂવો ન હોવા છતાં વેલ તરીકે ઓળખાતી જગ્યાએ ધસી આવ્યા. માઇકો તોડ્યા, ખુરશીની ગાદીઓ ફંગોળી. પ્રમુખે માંડમાંડ મામલો રફેદફે કર્યો.
“આપણે પુલનું નામ જ ન રાખીએ તો?” એસ્ટેટ શાખાના અધિકારીએ ચાંપલાશ કરી.
“ સાહેબ તમારે પાંત્રીસ-ચાલીસ વરસ નોકરો કરી પેન્શન ખાવાનું છે. અમારે પાંચ વરસે પબ્લિક પાસે જઇ મત માંગવાના છે, તમારે મત મેળવવા જવાનું નથી!!” સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અકળામણ વ્યક્ત કરી.
“ બ્રિજનું નામ મહાનુભાવના નામ પરથી રાખીએ “વરસો લગી સતાની લોલીપોપ તિસમારખાં પરિવારવાદી પક્ષના સભ્યે સૂચન કર્યું.
“ ભાઇ તમારે ત્યાં આવા નામોની લંગાર છે. અમારે ખાટલે ખોડ છે. ગણીને સાડા ત્રણ નામમાં યાદી પૂરી થઇ જાય છે.
“ પરમ આદરણીય દાઉદ ઇબ્રાહીમનું નામ પુલ સાથે જોડો. કોઇ માલનો લાલ પુલ સામે આંખ ઊંચી કરશે નહીં. અલબત, નબળી ગુણવતા હોય અને પુલ તૂટી જાય તો વાત અલગ છે. ધ.ધૂ. પ.પુ. દાઉદ, તેલગુ, હાજી મસ્તાને દેશને વરસો લગી ચૂનો -ડિસ્ટેમ્પર લગાવવાની અદ્ભૂત કામગીરી નિસ્વાર્થભાવે કરી છે” બકરાદાઢીવાળા સભ્યશ્રીએ કરી.
“ ભાઇ અમારા છોટા રાજન, બડા રાજન, અરૂણ ગવળી મરી નથી ગયા કે ચૂડીઓ નથી પહેરી નથી.” પંડિતનુમા સભ્યે વાંધો ઉઠાવ્યો!!!
પ્રમુખ સાહેબ નદી અને પર્વતોના નામ સર્કિટહાઉસના ઓરડાને આપી ચુકયા છીએ. હવે ટ અ ડ બ્રિજ નામ આપીએ તે એબ્સર્ડ લાગશે તેમ કમિશનરે કહ્યું.
આ ચર્ચા સાંભળીને કળી ખીલું ખીલું થઇને પુષ્પમાં પરિવર્તિત થવાની કોશિશ કરતી હોય તેમ રાજુ રદી બોલવા ઊંચોનીચો થતો હતો, તલપાપડ થતો હતો.
“ પ્રમુખ સાહેબ આપની મંજૂરીની અપેક્ષાએ મારે સૂચન કરવુ્‌ છે. સાહેબ બ્રિટિશ સાહિત્યકાર શેકસપિયર ‘ વ્હોટ ઇઝ ઇન ધી નેઇમ ‘એવું કહી ગયા છે. નરસિંહ મહેતા પણ ‘ઘાડ ધડયા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય’ કહી ગયા છે. સાહેબ બળ્યું પૂળો મેલોને નામમાં !!સાહેબ કંકોડા બ્રિજ નામાભિધાન કરી દો એટલે ભોડાકૂટ પતે!!”
રાજુ રદીની દરખાસ્ત પર કોઇ વાંધાવિરોધ વિના સર્વાનુમતે સંમત થઇ ગયા!!

– ભરત વૈષ્ણવ

Previous articleપૂર્વગ્રહ :- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે