રાહુલ ગાંધીની પ્રોપર્ટી-નાણાકીય વ્યવહારો સંદર્ભે પુછપરછ થઈ

56

રાહુલ ગાંધીનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ ૫૦ હેઠળ નોંધવામાં આવ્યું
નવી દિલ્હી, તા.૧૩
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. રાહુલ લગભગ ૧૧.૩૦ વાગ્યે એપીજે અબ્દુલ કલામ રોડ સ્થિત ઈડીના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સમાચાર એજન્સીએ ઈડીના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ગાંધીનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની કલમ ૫૦ હેઠળ નોંધવામાં આવ્યું હતું. પહેલા રાઉન્ડમાં રાહુલની ત્રણ કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેઓને લંચ માટે બહાર જવા દેવામાં આવ્યા હતા. આ દરમિયાન રાહુલ તેમની બહેન પ્રિયંકા સાથે માતા સોનિયા ગાંધીને જોવા માટે સર ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા હતા. કોવિડ-૧૯ સંબંધિત સમસ્યાઓના કારણે સોનિયાને રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈડીએ તેમને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. રાહુલને ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારીઓએ પ્રશ્નો પૂછ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તબક્કાવાર પૂછપરછમાં ઈડીએ પહેલા રાહુલને અંગત પ્રશ્નો પૂછ્યા. ત્યારબાદ પ્રોપર્ટી અને નાણાકીય વ્યવહારોને લગતા પ્રશ્નો હતા. રાહુલની વધુ પૂછપરછમાં યંગ ઈન્ડિયા અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને લગતા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. ભારતમાં તમારી કેટલી મિલકતો છે અને ક્યાં-ક્યાં છે? તમારી પાસે કેટલા બેંક ખાતા છે? તમારું કઈ બેંકમાં ખાતું છે? તેમાં કેટલા પૈસા છે?
વિદેશમાં બેંક ખાતું છે? તેમાં કેટલી રકમ જમા છે? વિદેશમાં કોઈ મિલકત છે? જો હા, તો તે ક્યાં છે? યંગ ઈન્ડિયનમાં કેવી રીતે જોડાયા? ઈડી રાહુલના પ્રશ્ન-જવાબ દ્વારા ભાગીદારીની પેટર્ન, નાણાકીય વ્યવહારો અને યંગ ઈન્ડિયન અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ના પ્રમોટરોની ભૂમિકાને સમજવા માંગે છે. રાહુલ ગાંધીની યંગ ઈન્ડિયનની સ્થાપના, નેશનલ હેરાલ્ડ’ના ઓપરેશન અને ફંડના કથિત ટ્રાન્સફર અંગે પૂછપરછ થઈ શકે છે. યંગ ઈન્ડિયનના પ્રમોટર્સ અને શેરહોલ્ડરોમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે રાહુલ ઘરેથી ઈડી ઓફિસ માટે નીકળ્યા ત્યારે પ્રિયંકા તેમની સાથે કારમાં હાજર હતી. તે થોડો સમય ઈડી હેડક્વાર્ટરમાં પણ રહી હતી. જ્યારે રાહુલની પૂછપરછ શરૂ થઈ ત્યારે પ્રિયંકા બહાર આવી અને તુઘલક રોડ પોલીસ સ્ટેશન ગઈ જ્યાં વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓને રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી અને કેસી વેણુગોપાલને પોલીસે અટકાયતમાં લીધા હતા અને તુઘલક રોડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પાર્ટીના દીપેન્દ્ર એસ હુડ્ડા અને મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ કસ્ટડીમાં લઈને ફતેહપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ રજની પાટીલ, અખિલેશ પ્રસાદ સિંહ, એલ હનુમંતૈયા અને તિરુનાવુક્કરસર સુ. રાહુલ ગાંધીના સમર્થનમાં વિરોધ કરવા બદલ મંદિર માર્ગ પીએસ ખાતે અટકાયત કરવામાં આવી હતી.

Previous articleફ્યુચર સામેના કેસમાં એમેઝોનને ૨૦૦ કરોડનો દંડ ભરવા આદેશ
Next articleસિહોર તાલુકા ના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર ના ભૂતિયા ઢાળ પાસે જૂની અદાવત ને લઈ થયેલ છરી થી કરેલ હુમલો..