ર૭ મેના રોજ દહેજથી લીંકસ્૫ાન આવશે

1491
bvn1452017-4.jpg

ભાવનગરના ઘોઘા ખાતે લાંબા સમયથી ચાલી રહેલ ફેરી સર્વિસ અંતર્ગત સમુદ્રમાં નિર્માણ થયેલ પ્લેટફોર્મનું કાર્ય હાલ ૯૭ ટકા પૂર્ણ થઈ ચુક્યું છે. એક માત્ર લીંક સ્થાન જોડાણ કાર્યને બાદ કરતા અન્ય કોઈ કામગીરી બાકી ન હોવાનું સરકારી સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભાવનગરથી દક્ષિણ ગુજરાત સાથે સમુદ્રી માર્ગે જોડાણ કરવા અર્થે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલ સમુદ્ર કિનારાથી દક્ષિણ ગુજરાતના દહેજને જોડવા માટે એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ રૂા.રર૩ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનાર છે. જે પૈકી ૧૮૦ કરોડ રૂપિયા ખર્ચ પેટે ચુકવી દેવામાં આવ્યો છે.
હાલની સ્થિતિ અંગે સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ૭ માસ કરતા વધુ સમયથી નિર્માણ કાર્ય બમણા વેગ સાથે હાથ ધરવામાં આવ્યું છે. સાગર તટથી સમુદ્રમાં દોઢ કિલોમીટરના અંતરે રોડ બનાવવામાં આવ્યો છે તેમજ આગળ અદ્યતન સ્ટ્રક્ચર દ્વારા પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. જે સ્થાનેથી ૬ કિલોમીટરની લાંબી ચેનલ બનાવવામાં આવી છે.  જે અત્યાધુનિક ડ્રેઝર શિપ દ્વારા ડ્રેઝીંગ હાલમાં ચાલી રહ્યું છે અને જેનું ૯૭ ટકા જેવું કાર્ય પૂર્ણ થયું છે. ઘોઘા સાથોસાથ દહેજ ખાતે પૂર્ણ તમામ કામગીરી પૂર્ણતાના આરે છે.
ઘોઘા અને દહેજ બન્ને જગ્યાઓ માટે પોન્ટુન ઘોઘામાં જ બનાવવામાં આવ્યા છે. અત્રેના દરિયામાં હેવી કરન્ટને લઈને બન્ને પોન્ટુનને તરતા કરવા સ્થિર રાખવા એ આયોજન નિર્માણ વિભાગ માટે મોટો પડકાર હતો પરંતુ આગવી કોઠા સુઝ-બુઝ અને સાધનોના અંતે બન્ને પોન્ટુનને સફળતાપૂર્વક તરતા કરવામાં આવ્યા છે અને તા.૧૪-૧પ મેના રોજ હેવી ભરતી આવ્યો. દહેજનું પોન્ટુન ટગ મારફતે દહેજ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુું. એ સાથે ઘોઘા માટેનો મહત્વપૂર્ણ પાર્ટ લીંક સ્થાન આગામી તા.ર૭મે સુધીમાં દહેજથી ઘોઘા પહોંચશે અને ઘોઘા આવ્યા બાદ લીંક સ્થાનનું જોડાણ થયે સત્તાવાર ઉદ્દઘાટન-લોકાર્પણની તારીખે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ઘોઘા તટ પર વેઈટીંગ એરિયા, પાર્કિંગ, સ્ટોરેજ સહિતના વિભાગોમાં પણ હાલ ચાલી રહેલ પરચુરણ કામગીરી આગામી તા.૩૦ મે સુધીમાં પુરી થશે. તો બીજી તરફ ફેરી સર્વિસ માટેના શીપનું ટેન્ડરીંગ કાર્ય સંભવતઃ પૂર્ણ થયું છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ વિભાગના અધિકારીઓની ટીમ ટુંક સમયમાં શીપના મોનીટરીંગ અર્થે મુંબઈ જવાના હોય જે માટે તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર બાબતને લઈને જૂન માસમાં સરકાર ફેરી સર્વિસ શરૂ કરવા કોઈપણ ભોગે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.

વિલંબ માટે હવામાન જવાબદાર
છેલ્લા છ માસથી સરકાર તથા તંત્ર દ્વારા રો-રો ફેરી સર્વિસ નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ અંતિમ તબક્કાની કામગીરીમાં ઘોઘા અને દહેજ બન્ને જગ્યાના પોન્ટુનને સમુદ્રમાં ઉતારી તરતા કરવાની કામગીરીમાં પ્રતિકુળ હવામાનને લઈને ખુબ વિલંબ થયોલ છે. પોન્ટુનને તરતું કરવા માટે પુરતા પ્રમાણમાં ભરતી મળી ન હતી અને વારંવાર ‘મડ’ માંડી થઈ જતું હોય જેથી વિલંબ થયો છે. હવે પછી ચોમાસાની સિઝનની શરૂઆત થશે. દરિયામાં ઋતુ અનુરૂપ હેવી કરન્ટ નહી હોય તો બધુ પાધરૂ થશે.
– એન.એલ. રાસડીયા, સિવીલ ઈજનેર, ઘોઘા