શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ કંપની દ્વારા ભુગર્ભ લાઈન પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં નિયત-નિયમોનું પાલન કરવામાં ન આવી રહ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.
એક તરફ ભાવનગર મહાપાલિકા લાખો રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં આંતરિક માર્ગો તથા પેવર બ્લોક નાખી લોક સુવિધાઓમાં વૃધ્ધિ કરી રહ્યું છે તો બીજી તરફ લોકોની સુવિધા ગુજરાત ગેસ કંપનીને આંખના કણાની માફક ખુંચતી હોય તેમ નવા રોડ તથા પેવર બ્લોકને તોડી અંડર ગ્રાઉન્ડ લાઈનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનો સ્થાનિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકો એવા પણ સવાલો કરી રહ્યાં છે કે આ કેવો વિકાસ ? ગેસ કંપની તથા મહાપાલિકા વચ્ચે સંકલનનો બિલકુલ અભાવ હોવાનું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે.શહેરના દેવબાગ-અનંતવાડીમાં રહેતા એક સ્થાનિકના જણાવ્યા અનુસાર અત્રે રહેતા અનેક વસાહતીઓ દ્વારા છેલ્લા દસ વર્ષ સુધી જવાબદાર તંત્ર તથા અધિકારીઓ, નગરસેવકોને વારંવાર રજૂઆતો કરી ત્યારબાદ એક માસ પૂર્વે આ વિસ્તારમાં નવો રોડ તથા દરેક સોસાયટીમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા ૧પ દિવસથી જીએસપીએલ દ્વારા ઘરે-ઘરે ગેસ કનેક્શન માટે ભુગર્ભમાં લાઈન બિછાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન નવો રોડ ખોદી પેવર બ્લોકને ઉખાડી ફેંકવામાં આવ્યા છે. પરિણામે સાંકડા રોડ સાથે અધુરામાં પુરૂ ગેસ કંપની દ્વારા કરતી કામગીરીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આવી આયોજન વિનાની કામગીરી અંગે કોન્ટ્રાક્ટર તથા નગરસેવકો અને તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને ગેસ એજન્સી પોતાની મનમાની શરૂ જ રાખી છે. આવનારા દિવસોમાં વરસાદ વરસતાની સાથે લોકોની સમસ્યાઓમાં વૃધ્ધિ થશે ત્યારે આવી ગંભીર બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલા લેવાશે કે કેમ તેવા સવાલો લોકો કરી રહ્યાં છે.
કંપની નુકશાની ચુકવે છે : કોન્ટ્રાક્ટર
જે તે વિસ્તારોમાં લાઈન અંગે ખોદકામ હાથ ધરવાનું હોય તે વિસ્તારમાં ખોદકામ પૂર્વે તંત્ર પાસેથી જરૂરી મંજુરીઓ અમે મેળવીએ છીએ. કામગીરી દરમ્યાન રોડ-રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઈનો, કેબલ લાઈનો કે અન્ય નુકશાની કે રીપેરીંગ માટે કોન્ટ્રાક્ટર જવાબદાર નથી. કામગીરી દરમ્યાન થયેલ નુકશાનીની કિંમત પણ ચુકવી દેવામાં આવે છે તથા કામગીરી પૂર્ણ થયે રોડ કે પેવર બ્લોકનું સમારકામ અગર અન્ય કોઈ બાબતો માટે એજન્સી કટીબધ્ધ નથી !
– અશોક છૈડા, સુપરવાઈઝર, જીએસપીએલ, સુરત
તંત્ર પાસે કોઈ ફરિયાદ આવી નથી
શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ કંપની દ્વારા અન્ડર ગ્રાઉન્ડ લાઈન પાથરવાની કામગીરી શરૂ છે. તંત્ર પાસેથી પૂર્વ મંજુરી મેળવ્યા બાદ કંપનીએ કામગીરી હાથ ધરી છે. લાઈન પાથરતી વેળા કોઈ મોટી નુકશાની થાય તો તે બાબતની સંપૂર્ણ જવાબદારી કંપનીના શિરે હોય છે. આ ઉપરાંત કામગીરી પુરૂ થયા બાદ રોડ, પેવર બ્લોકનું પેચવર્ક પણ કંપની દ્વારા જ પુરૂ કરવાની શરતે ખોદકામની મંજુરી આપવામાં આવે છે. કોઈપણ વિસ્તારમાંથી આજ સુધી કોઈપણ પ્રકારની ફરિયાદ મળી નથી. જો મળશે તો ચોક્કસ પગલા લેવામાં આવશે.
– એમ.ડી. રાઠોડ, અધિકારી, રોડ વિભાગ, મહા.પા.