રાજુલા-મહુવા નેશનલ હાઈવે પરનો બનાવ : ધારાસભ્ય સહિત આગેવાનો જોડાયા : ર5થી વધુ લોકોને ઈજા
વિક્ટર, તા.રર
મહુવા-રાજુલા નેશનલ હાઈવે પર રાજુલાના નિંગાળા-૧ નજીક આજે રાત્રિના સમયે પુલ પરથી નીચે ટ્રક ખાબકતા રપથી વધુ લોકો દબાયા હતા. જેની જાણ થતાં ૧૦૮ સહિત ૧૦ જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ક્રેઈનની મદદ વડે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
મહુવા તાલુકાના મોટા જાદરા ગામે રહેતા અને ઉના ખાતે વેવિશાળ કરવા ગયેલા અને ટ્રકમાં પરત ફરી રહેલા ૩પ જેટલા લોકો સાથેનો ટ્રક રાજુલા નિંગાળા-૧ નજીક પહોંચતા કોઈ કારણોસર પુલ પરથી ટ્રક નીચે ખાબકતા રપ થી વધુ લોકો દબાયા હતા. જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ર૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ટ્રક પુલ પરથી ખાબકતા હાઈવે પર ચીચીયારીઓ મચી જવા પામી હતી. બનાવની જાણ થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ થતા રાજુલાના ધારાસભ્ય તેમજ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ૧૦૮ને જાણ કરાતા નજીકની તમામ ૧૦૮ સહિત ૧૦ જેટલી એમ્બ્યુલન્સો ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને બચાવ કામગીરી માટે તુરંત જ ક્રેઈન બોલાવી કામગીરી હાથ ધરવામાં આવેલ. આ લખાય છે ત્યારે અત્યારે ૧ર-૧૦ મીનીટે બચાવ કામગીરી શરૂ થઈ છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરાઈ છે. બનાવમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકેલ નથી પરંતુ ઘટનાની ગંભીરતા જોઈએ તો જાનહાની થઈ હોય તે નકારી શકાય નહીં.
ભાવનગર સહિત અનેક સ્થળોએ ગેરકાયદેસર રીતે વાહનોમાં મુસાફરોની હેરફેર કરતા વાહનોના અકસ્માત થવા અને તેમાં અનેકે જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ વધી રહી છે છતાં પોલીસ તંત્ર કે આરટીઓ દ્વારા આવા વાહનો ઉપર રોક લગાવાઈ રહી નથી.