ગુસ્તાખી માફ

1385

કુંવરજી ગયા તો કલસરીયા કોંગ્રેસમાં  ચૂંટણી નજીકમાં આવતાં હોડ લાગશે

ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષો છે તેમાં વર્ષોના કાર્યકરો અને પક્ષની કાર્યરીતી કે સિધ્ધાંતોથી તૈયાર થયેલ કાર્યકરોએ બધી વાત ભૂતકાળ બની જવા પામી છે. સત્તાને કેન્દ્રમાં રાખી મજબૂત માણસોને લઈ જવાની હવે ચૂંટણી નજીક આવતા હોડ લાગવાની છે એ નકકી…

તાજેતરમાં વર્ષોથી કોંગ્રેસમાં રહેલા અને કોળી નેતા કુંવરજીભાઈ બાવળીયાને ભાજપનો ખેસ પહેરાવી દીધો પરંતુ કોંગ્રેસે વળતો ઘા કરવા પૂર્વ ભાજપના જ ધારાસભ્ય અને ડૉકટર તથા કોળી સમાજના જ આગેવાન કનુભાઈ કલસરીયાને કોંગ્રેસમાં લીધા. આમ બંન્ને પક્ષો હવે ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાસાં ફેંકવા માંડયા છે.

બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહને ભાજપે લઈ લીધા અને તેમાં વળી શંકરસિંહે તેમના પુત્રને નાટકીય રીતે અઠવાડીયાની મહોલત આપી એ બધુ તો ઠીક છે પરંતુ કોંગ્રેસને હરાવી વધુમાં વધુ લોકસભાની બેઠકો લાવવાના યુધ્ધનું બંન્ને પક્ષોમાં કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તેથી આગામી દિવસોમાં બંન્ને પાર્ટીઓમાં તેમાંય ખાસ ભાજપમાં જોડાનાર નવા નવા નામ નીકળે તો નવાઈ નહીં અને આયારામ ગયારામ જેવા સિધ્ધાંતો હીત, સત્તા લાલચુ લોકો આવી તક જલ્દી ગુમાવશે નહીં તેથી ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં પ્રજાએ વિશેષ યાદ રાખવું પડશે કે કોણ કયા પક્ષમાં હતુ અને અત્યારે કયા પક્ષમાં ગયા છે. જોકે ગુજરાતનો ઈતિહાસ એવો રહ્યો છે કે સત્તા માટે પલ્ટો કરનારને ચૂંટણીમાં માંડ જીતવાની તક આપે છે. બાકી તો ઘર ભેગા જ કરે છે. જો કે રાજકીય પાર્ટીનું તેવું પણ ગણિત હોય છે કે લઈ લેવા પછી ઘર ભેગા કરવા…

સરકારી શિક્ષણની ઘટતી સંસ્થાઓ અને પ્રાઈવેટ ધંધાદારી વધતી સંસ્થાઓમાં પ્રજાનો મરો

સરકારે કેટલીક પાયાની જરુરીયાતો તે પછી માનવીની હોય કે સમાજની મોંઘી પડે તો પણ નીભાવવી પડે. તેમાં શિક્ષણની જવાબદારી પ્રાઈવેટ અને ધંધાદારી સંચાલકોના હાથમાં આપવા ગયા તેમ તેમ વાલીઓ માટે ખિસ્સા હળવા થતાં ગયા અને એટલે સુધી વાત પહોંચી કે હાલ કોર્ટ અને કચેરી કે પછી આંદોલનો કરી ફી અંગે વાલીઓને ચિંતા કરવાનો વારો આવ્યો છે. અર્ધસરકારી – ટ્રસ્ટની ગ્રાન્ટેડ સંસ્થાઓ પણ ઘટતી જાય છે જેથી નજીવી ફીમાં ભણતાં બાળકો હવે તે ભણી શકવાના નથી. બીજી તરફ સરકાર કેટલાંક વર્ગને ફી ને બદલે સ્કોલરશીપ અને મદદ જરૂર કરે છે. પરંતુ પહેલાના જમાનામાં શિક્ષણ હતું તેના કરતાં લભગગ ૧૦૦ થી ૧૦૦૦ ટકા મોંઘું થઈ ગયું છે.

આજથી બીજી પેઢી છેક કોલેજ સુધી ભણવામાં શિક્ષણ ફી ભરતી હતી તેના કરતાં વધારે ફી આજે બાલમંદિર કે નવી ભાષામાં નર્સરી કેજીમાં થાય છે અને તેથી વાલી શિક્ષણ પાછળ જ એટલો ઘસાઈ જાય છે કે અન્ય કંઈ વિચારી શકતો નથી. ગાયકવાડ સરકારે શિક્ષણ અને પુસ્તકાલયની ઉત્તમ વ્યવસ્થા કરી હતી.ટ પછીની સરકારોએ આખી વ્યવસ્થા ટ્રસ્ટો દ્વારા ગ્રાન્ટ ઈન એઈડ સ્કુલોના ઢાંચાથી ખુબ સારી પેટે નિભાવી હતી. પરંતુ આજે તમામ વ્યવસ્થા પ્રાઈવેટ થઈ જવાથી સરકારનું પણ હવે કંઈ ચાલે તેમ નથી. પ્રાઈવેટ – સંચાલકો શા માટે સરકારનું માને ? નહીં તો સ્કુલ બંધ કરી દઈશુ કરે તો સરકાર પાસે હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી તેથી ના છુટકે બેસી રહેવું પડે તેવો જ વારો આવી ગયો છે.

કોંગ્રેસે ફરી એક વાર ભાજપ સામે લાચારીથી ઘર વાપસીની જાહેરાત કરી

કોંગ્રેસ પક્ષ જેટલો જુનો છે તેટલા જ વાડા અને હિસ્સામાં વહેંચાઈ ગયો છે જેને કંટ્રોલમાં રાખી નહીં શકતા કોંગ્રેસમાંથી ભાજપને મજબૂત માણસો મળતાં જાય છે અને રાજકીય સોગઠીમાં ભાજપા કોંગ્રેસને હંશા માત આપતો જાય છે. તાજેતરમાં રાજયસભાની ચૂંટણી બાદ જિલ્લા – તાલુકા પંચાયતો અને છેલ્લે કુંવરજી બાળીયા, મહેન્દ્રસિંહને ભાજપમાં ભેળવી કોંગ્રેસને ભાજપે ધુ એક ફટકો માર્યો છે. કોંગ્રેસે વધું ચિતન કર્યા વગર ભાજપના ફટકાની કળ વળ્યા પહેલાં ઝડપથી જાહેરાત કરી દીધી છે કે કોંગ્રેસમાંથી ગયેલા લોકોને ફરી એક વાર કોંગ્રેસમાં ઘર વાપસી કરવાની ઝૂંબેશ કે પ્રક્રિયા કરાશે.  આમ ભાજપા ફરી એકવાર રાજકીય ક્ષેત્રે મેદાન મારવામાં સફળ રહ્યો છે. એક તરફ ગયેલા લોકોને કોંગ્રેસે જે તે વખતે કચરો ગણાવ્યો હતા એને ફરી પાછા લઈ શું કોંગ્રેસ કચરામાંથી કંચન બનાવશે ? કચરાનો રીસાયકલ પ્લાન નાંખી ફરી તેને યોગ્ય બનાશે ? જોકે ભાજપમાં ગયેલા કેટલાક કોંગ્રેસીની સ્થિતિ સારી તો નથી જ તેથી કદાચ કોંગ્રેસને સફળતા મળે પણ ખરી !! એક કોંગ્રેસી હાલ ભાજપમાં છે તે કયારેક ઈચ્છા થાય ત્યારે દૂરથી કોંગ્રેસની ઓફીસ તરફ જોઈ રીતસર નિશાસા નાંખતા કયારેક જાય છે ખરા !!

શશી થરૂરની જેમ રાજકારણમાં નૈતિકતા વગર ટકી રહેવા ગમે તે બોલવું યોગ્ય ન ગણાય

‘હિંદુ પાકિસ્તાન’ જેવો શબ્દપ્રયોગ અશોભનીય છે. એ માત્ર ભાજપ પર પ્રહાર કરતાં ‘હિંદુ રાષ્ટ્ર’ જેવો શબ્દ પ્રયોગ કરીને અટક્યા હોત તો એ ચાલી જાત. આતો એવું થયું છે કે,”કાગડે ઘુવડ લાભ્યો ! ભાજપના પ્રવક્તાઓ એ રીતે તૂટી પડયા છે કે, જાણે આ શબ્દો કૉંગ્રેસની વિચારધારા વ્યક્ત કરી રહ્યા છે. શશી થરૂરનો એ શબ્દ પ્રયોગ ચોક્કસ ન ચલાવી લેવાય, પણ મૂળમાં તો ‘હિંદુ રાષ્ટ્ર’નો અર્થ જ સમાવિષ્ટ હતો. એ કૉંગ્રેસના નેતા છે, હિંદુ છે અને ભાજપની હિંદુ વિચારશરણીથી દેશના દરેક હિંદુની માફક પરિચિત છે. અત્યારે દેશના પ્રત્યેક નાગરિકે પોતાની જાતને એક સવાલ પૂછવાની જરૂર છે કે ભાજપને જીતાડવા પાછળ શું માત્ર હિંદુત્વનો મુદ્દો જ લોકોએ સ્વીકાર્યો હતો? જવાબ નકારાત્મક આવશે.  જીત પરિવર્તન માટેની હતી અને નરેન્દ્ર મોદી જેવા પ્રખર વક્તા અને રાજકારણીએ સેંકડો પ્રચાર સભાઓ સંબોધીને દેશવાસીઓની આંખમાં જે સ્વપ્ન નિરુપ્યાં હતાં તેના કારણે સત્તાપરિવર્તન થયું. મોગલોના સમયમાં પણ ભારત હિંદુસ્તાન હતું, મુસ્લિમ રાષ્ટ્ર નહોતું. ફિરંગીઓના શાસન વખતે પણ આ દેશ હિંદુસ્તાન હતો, અને આજે પણ છે. નથી લાગતું કે, કોઇ દેશ ધર્મ આધારિત ન હોઇ શકે.  શશી થરૂર આટલા શિક્ષિત અને લેખક હોવા છતાં વાસ્તવિકતા વટાવી ગયા. કહ્યું તો આટલું જ કે જો હવે ફરીથી ભાજપ સત્તા પર આવશે તો બંધારણમાં ફેરફાર કરીને આ દેશને ‘હિંદુ પાકિસ્તાન’ બનાવશે, પણ એ જરા અતિરેક હતો.  અહીં ટીકાકારોએ ‘પાકિસ્તાન’નો અર્થ પણ સમજી લેવો જરૂરી છે.

Previous articleઘોઘા ગામે બીજ ઉત્સવની ઉજવણી
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે