ભાવનગરમાં ટ્રાન્સપોર્ટરોની આક્રમક લડત

1625

દેશવ્યાપી ટ્રાન્સપોર્ટ સંચાલકોની હડતાલના બીજા દિવસે ભાવનગર નારી ચોકડી ખાતે ઉગ્ર પ્રદર્શન કરી ભારે ચક્કાજામ કર્યું હતું. પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણોનો જીએસટી સમાવેશ એકસાઈઝ ડયુટીમાં ઘટાડો, થર્ડ પાર્ટી વિમા તથા ટોલટેકસ સહિતની બાબતોને લઈને ઓન ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારને વારંવાર રજુઆતો કરવા છતા સરકારે કોઈ પગલા ન લેતા તા. ર૦ જુલાઈથી અચોકકસી મુદતની હડતાલનો ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા દેશવ્યાપી આંદોલનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને લાખ્ખો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે.

આ ઉગ્ર લડતમાં ભાવનગર શહેર જીલ્લાના ટ્રક ચાલકો તથા ટ્રાન્સપોર્ટ ધારકો જોડાયા છે. હડતાલના બીજા દિવસે આજે સાંજે શહેરના પ્રવેશ દ્વારા નારી ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તમામ માર્ગો  પર  ટ્રક આડા રાખી ચક્કજામ કર્યું હતું. જેના પગલે રાજકોટ, અમદાવાદ શોર્ટ રૂટ પર ત્રણ કિલો મીટરથી વધુ લાંબી વાહનોની કતારો લાગી હતી. ટોળા દ્વારા રોડ પર ટાયરો બાળી સુત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ બનાવની જાણ વરતેજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને લોકોને સમજાવી વાહન વ્યવહાર પુર્વ વર્ત કર્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા ટ્રાફિક જામને પગલે લોકો ટ્રાફીકમાં ફસાઈ જવા પામ્યા હતાં. સમગ્ર કાર્યક્રમ અંગે ટ્રક ચાલકો તથા ટ્રાન્સપોર્ટ ધારકોએ જણાવ્યું હતું કે ગાઢ નિંદ્રામાં પોઢી રહેલ સરકારને ઢંડોળવા માટે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ગમે તેવી વિષમ પરીસ્થિતિ વચ્ચે ટ્રક માલિકો માલ સામાન લોકો સુધી પહોચાડે છે અને જે માંગ છે તે બિલકુલ વ્યાજબી જ છે.

જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન ઠપ્પ

શાકભાજી, અનાજ-કઠોળ સહિત અનેક વસ્તુઓનું પરિવહન ટ્રક ચાલકોની હડતાલને પગલે અટવાઈ પડ્યું છે. જેના કારણે અધવચ્ચે રહેલ સામાન બગડી જવા સાથે મોટી આર્થિક નુકશાનીનો ભય ઉભો થયો છે. તો બીજી તરફ આવશ્યક વસ્તુઓની અછત સર્જાવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે જેને લઈને આવી વસ્તુઓમાં બેફામ ભાવ વધારો થવાની આશંકાઓ સેવાઈ રહી છે.

અમારી લડતમાં આમ પ્રજા પણ જોડાય

વિવિધ મુદ્દે દેશવ્યાપી સજ્જડ હડતાળનો આરંભ કરેલ ટ્રક ચાલકો તથા ટ્રાન્સપોર્ટ સંચાલકો દ્વારા દેશની જાહેર જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે સરકાર સામેની આ લડાઈમાં જનતા પણ સહભાગી બને અને લડતને મજબુત બનાવે કારણ કે લોકો સુધી તેમના ઘરો સુધી કોઈ પણ વસ્તુ પહોંચાડવા માટે અમારૂ મહત્વ પુર્ણ યોગદાન છે. ઈંધણને જીએસટીના દાયરા તળે લાવવાથી પ્રજાને જ ફાયદો થવાનો છે.

Previous articleજુદા-જુદા છ ગુનામાં વોન્ટેડ આરોપીને એલસીબીએ ઝડપ્યો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે