ગાંધીનગરની શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ માદક પદાર્થોના વેચાણની પ્રવૃત્તિ ધમધમે છે

1523

પાટનગરની શૈક્ષણિક હબ તરીકે ગણતરી થઇ રહી છે. પરંતુ આ શૈક્ષણિક હબના બિરૂદને ડટ્ટો લાગે તેવી પ્રવૃત્તિ પણ છેલ્લા કેટલાક સમયથી ફુલીફાલી છે. પ્રાપ્ત વિગતો મુજબ, અહિના કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ નજીક માદક પદાર્થોનુ વેચાણ થઇ રહ્યુ છે. આ મામલો સ્થાનિક લોકોમાં તો ઘણા સમયથી ચર્ચાઇ રહ્યો છે.

સ્ટેશનરીમાં વપરાતા વાઈટીંગ – થીનરનો ઉપયોગ કેટલાંક વિદ્યાર્થીઓ અને ગરીબ બાળકો સૂંઘીને નશો કરતા હોવાની ચોકાવનારી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ હવે, પોલીસે પણ આ મામલે ગંભીરતા દાખવી છે અને ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનોને વોચમાં ગોઠવ્યા છે. જોકે, આ પ્રવૃત્તિ છેલ્લા પાંચેક વર્ષથી શરૂ હોવાનું વિદ્યાર્થીવર્તુળ સાથે જોડાયેલા આગેવાનો જણાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને માદક પદાર્થો તેમની હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવા સુધીનું નેટવર્ક કાર્યરત છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ નેટવર્ક અમદાવાદથી ઓપરેટ થઇ રહ્યુ છે. માત્ર માદકપદાર્થો જ નહી પરંતુ દારૂની બોટલોની પણ હોમ ડીલીવરી થઇ રહી છે.

ખાસ કરીને કુડાસણ, પીડીપીયુ, ઇન્ફોસિટી વિસ્તારમા આ પ્રવૃત્તિએ છેલ્લા કેટલાક સમયથી માઝા મુકી છે. ગાંજો, ચરસ ઉપરાંત વિદેશી દારૂનું અહિ છુટથી વેચાણ થઇ રહ્યુ છે. માદક પદાર્થોના સેવન માટે વપરાતા ગોગો રેપર આ વિસ્તારના પાનપાર્લરો પર છુટથી મળી રહ્યા છે. આ રેપરના વેચાણ મામલે કોઇ ગુનો બનતો નથી. આ ઉપરાંત તે સસ્તા પણ છે.

આકર્ષક પેકીંગમાં મળતા આ ગોગો રેપર મામલે એક પાન પાર્લરના સંચાલકે નામ નહી આપવાની શરતે જણાવ્યુ કે, આ રેપરનો ઉપયોગ ગાંજો, ચરસ, જેવા માદકપદાર્થોના સેવન માટે ઉપયોગ લેવામાં આવે છે. તેની દુકાને દૈનિક ૧૦ થી ૧૫ જેટલા ગોગો રેપરના પેકેટ વેચાણ થઇ રહ્યા છે. સીગારેટની આકારના આ ગોગો રેપર માદકપદાર્થોના વ્યસનીઓમાંઔફેવરીટ છે.

ગાંજો, ચરસના સપ્લાય પાછળ એક સુવ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યુ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નેટવર્ક અમદાવાદથી ઓપરેટ થાય છે. આ નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોનો ટાર્ગેટ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. ખાસ કરીને બહારના રાજ્યોમાંથી અહિ અભ્યાસ કરવા આવતા અને હોસ્ટેલમાં રહેતા વ્યસની વિદ્યાર્થીઓ તેમના મુખ્ય ગ્રાહક છે. તેઓને ગાંજો, ચરસ જેવા માદકપદાર્થો હોમડીલીવરી સ્વરૂપે છેક હોસ્ટેલના રૂમ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. નેટવર્ક સુધી પોલીસ પહોંચી શકે નહી તે માટે વચેટિયાઓ પણ ભુમિકા ભજવી રહ્યા છે. જોકે, અત્યાર સુધી આ મામલે પોલીસ ચુપ હતી.. સુત્રોનું માનીએ તો શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલી હોટલો, પાનપાર્લરોના સંચાલકો અને કેટલીક જગ્યાએ સ્થાનિક રહીશો પણ આ દુષણથી વાકેફ છે. પરંતુ હવે આ દુષણનું પ્રમાણ વધતા પોલીસ સતર્ક બની છે.

માદકપદાર્થોનું વેચાણ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય છે. જેમાં દસ વર્ષ કેદ સુધીની સજાની જોગવાઇ છે. પરંતુ અત્યાર સુધીનો પોલીસનો ઇતિહાસ જોઇએ તો તેઓ માદકપદાર્થોનો મોટા પ્રમાણમાં જથ્થો હોય તો જ તેમાં પડવાનું મુનાસીબ માને છે. નાના જથ્થામાં કાર્યવાહી કરવામાં તેઓ દુર ભાગે છે.

શૈક્ષણિક સંસ્થાઓ પાસે જે માદકપદાર્થો વેચાઇ રહ્યા છે. તેનું મોટાભાગે પાંચ દસ ગ્રામની પડીકીઓમાં વેચાણ થઇ રહ્યુ છે. આટલો નાનો જથ્થો હોવાના કારણે અને તેની પાછળ કરવી પડતી કાર્યવાહી લાંબી હોવાના કારણે કેટલાક કિસ્સાઓમાં પોલીસ પણ આ બાબતને નજરઅંદાજ કરતી હોય છે.

Previous article બીબીએ કોલેજ દ્વારા “જવાબદારી એજ જીવન ની સાચી ઓળખ” વિષય પર વર્કશોપ
Next articleનાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ખેડબ્રહ્મા ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ