નોકરીમાં બઢતીમાં અનામત સંદર્ભે આજે સુનાવણી કરાશે

1172

એસસી અને એસટી કર્મચારીઓને સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત આપવાના મામલામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આવતીકાલે સુનાવણી હાથ ધરશે. સીજેઆઈ દિપક મિશ્રા અને જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ નરિમન, જસ્ટિસ કિસન કૌલ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના નેતૃત્વમાં બંધારણીય બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવશે. હકીકતમાં આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ૨૦૦૬માં નાગરાજ મામલામાં આવેલો ચુકાદો એસસી અને એસટી કર્મચારીઓના પ્રમોશનમાં અનામત આપવાને લઇને અડચણરુપ છે.

આ ચુકાદા પર ફેર વિચારણા કરવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસસી-એસટી એક્ટમાં સુધારાના બિલને ૯મી ઓગસ્ટના દિવસે રાજ્યસભાની લીલીઝંડી મળી હતી. આની સાથે જ હવે સુપ્રીમ કોર્ટ તરફથી આ એક્ટ હેઠળ તાત્કાલિક ધરપકડની જોગવાઈ ઉપર મુકવામાં આવેલા સ્ટેનો પણ અંત આવી ગયો હતો. લોકસભામાં આ સુધારા બિલને મંગળવારના દિવસે મંજુરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૧૯મી મેના દિવસે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ મળ્યા બાદ તાત્કાલિક ધરપકડ ઉપર સ્ટે મુકી દીધો હતો. મોટાપાયે આ કાયદાના વ્યાપક ઉપયોગને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશભરમાં દલિત સમુદાયમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. દલિત સંગઠનના લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન તમામ સંગઠનોએ કોર્ટના આ ચુકાદાને ફેરવી કાઢવા સરકારને અપીલ કરવામાં આવી હતી. આ ચુકાદાને દલિતોની સામેના ચુકાદા તરીકે ગણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

Previous articleપૂર્વ કેન્દ્રીયપ્રધાન ગુરુદાસ કામતનું નિધન
Next articleકુલભૂષણને ફાંસી કરાશે કે કેમ તે અંગે ફેબ્રુઆરીમાં સુનાવણી