પૂર્વ કેન્દ્રીયપ્રધાન ગુરુદાસ કામતનું નિધન

854

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ગુરુદાસ કામતનું આજે સવારે એટેકના કારણે અવસાન થયું હતું. કામત ૬૩ વર્ષના હતા. શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ સવારે ૭ વાગે ચાણક્યપુરીના પ્રાઇમસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું. કામતના સહાયકે તેમને સવારે ચા આપી હતી.

એ ગાળા દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ડ્રાઇવર તરત જ તેમને હોસ્પિટલ લઇને પહોંચ્યો હતો. સવારમાં વસંત એન્કલેવ સ્થિત પોતાના આવાસ પર એકલા હતા. કામતે ગઇકાલે પોતાના ટિ્‌વટથી ઇદની શુભેચ્છા પણ તમામને પાઠવી હતી. સોનિયા ગાંધીએ હોસ્પિટલ પહોંચીને સ્વર્ગસ્થ નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ શોક વ્યક્ત કરીને કહ્યું છે કે, કામતના અવસાનથી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુરુદાસ કામતે મુંબઈમાં કોંગ્રેસ પાર્ટીને ઉભી કરવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. તમામ લોકો તેમનું સન્માન કરતા હતા. રાહુલ ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ શોકસંદેશ આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. સરકાર અને પાર્ટીમાં વર્ષો સુધી કામત સહકર્મી તરીકે રહ્યા હતા. મુંબઈથી પાંચ વખત સાંસદ તરીકે રહેલા કામત ૧૯૭૬થી ૮૦ સુધી એનએસયુઆઈ અધ્યક્ષ રહ્યા હતા. ૨૦૦૯થી ૨૦૧૧ સુધી કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી રહ્યા હતા. તેમની પાસે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો હવાલો હતો. જુલાઇ ૨૦૧૧માં મંત્રી તરીકે રાજીનામુ આપ્યું હતું. પ્રોફેશનથી કામત વકીલ તરીકે હતા. અનેક જુદા જુદા હોદ્દા પર રહ્યા હતા. રણદીપ સુરજેવાલા અને અન્યોએ પણ દુખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે પણ તેમના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે.

Previous articleવાજપેયીના અસ્થિકુંભનું સાબરમતીમાં વિસર્જન
Next articleનોકરીમાં બઢતીમાં અનામત સંદર્ભે આજે સુનાવણી કરાશે