સૌથી મોટો ઉલટફેર : એશિયા કપમાં અફઘાનિસ્તાને શ્રીલંકાને  ૯૧ રનથી હરાવ્યુ

1311

બાંગ્લાદેશ સામે એશિયા કપની પ્રથમ મેચ હારી ગયા બાદ શ્રીલંકાની ટીમ જાણતી હતી કે એશિયા કપમાં ટકી રહેવા માટે તેણે ગઈ કાલે અબુધાબીમાં ગ્રૂપ-બીના મુકાબલામાં અફઘાનિસ્તાનને હરાવવું જ પડશે, પરંતુ બન્યું એનાથી ઊલટું.

અફઘાનિસ્તાનના યુવા લડવૈયાઓએ શ્રીલંકનોનો શિકાર કરીને તેમને એશિયા કપની બહારનો રસ્તો દેખાડી દીધો. અફઘાનિસ્તાને શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા રહમત શાહના ૭૨ રન અને અહસાનુલ્લાહ જનતના ૪૫ રનની મદદથી ૫૦ ઓવરમાં ૨૪૯ રન બનાવ્યા.

જવાબમાં રાશિદ ખાન અને મુજીબ-ઉર-રહેમાન જેવા વિશ્વ સ્તરના સ્પિનર સામે શ્રીલંકાના ખેલાડીઓ ટકી શક્યા નહીં અને આખી ટીમ ૪૧.૨ ઓવરમાં ફક્ત ૧૫૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પરિણામ એ આવ્યું કે પાંચ વાર એશિયા કપ જીતનારી શ્રીલંકાની ટીમ ૯૧ રને મેચ હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ.

અફઘાનિસ્તાનની શ્રીલંકા સામેની ત્રણ મેચમાં આ પ્રથમ જીત છે, જ્યારે તેણે વિન્ડીઝને પાંચ મેચમાં ત્રણ વાર, બાંગ્લાદેશની ટીમને પાંચ મેચમાં બે વાર પરાજય આપ્યો છે. આ ઉપરાંત એશિયા કપના ઇતિહાસમાં શ્રીલંકાનો રનના હિસાબે આ બીજા નંબરનો સૌથી મોટો પરાજય છે. આ પહેલાં શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામે ૧૩૭ રને હારી ગઈ હતી.

Previous articleમારો પહેલો બ્રેક મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો : શાહિદ કપૂર
Next articleભારત અને પાકિસ્તાનની વચ્ચે હાઈવોલ્ટેજ વનડે જંગ