ગેરકાયદે બાંધકામ અને દબાણ મુદ્દે વણકહી મુદત

819

હાઇકોર્ટના આદેશ અને મુખ્યમંત્રીની સુચના બાદ મહાપાલિકાએ મોટા ઉપાડે શરૂ કરેલી ગેરકાયદે બાંધકામ તોડવાની અને બાંધકામના હેતુફેર વપરાશ બદલ એકમોને તાળા મારવાની ઝુંબેશ લોકોની ધારણા પ્રમાણે જ ચાલી છે. તંત્ર મોટા માથાઓ સમક્ષ ઘૂંટણિયે પડતુ રહ્યું અને જેમની કોઇ વગ નહોતી તેવા વેપારીઓ અને રહેવાસીઓના બાંધકામ પર જેસીબીના હથોડા પડી ગયા પછી છેલ્લા એક પખવાડિયા જેવા સમયથી આ કામગીરી બંધ કરી દેવાઇ છે. ત્યારે સેક્ટર ૧માં પંચતીર્થ કોમ્પલેક્ષના વેપારીઓ દ્વારા દુકાનોના સીલ ખોલી આપવા માગણી કરાઇ છે. બીજી બાજુ જુના સચિવાલયની પાછળ મીનાબજારમાં નાના વેપારીના દબાણ તોડી પડાયા હતા. ત્યારે મહાપાલિકામાં ચર્ચાતી વાતો પ્રમાણે કોઇ સત્તાવાર જાહેરાત વગર દિવાળી સુધી ગેરકાયદે બાંધકામ અને દબાણને વણકહી મુદ્દત આપી દેવાઇ છે. સોમવારે બપોરે દબાણ શાખાની ટુકડી અચાનક જ મીનાહજારમાં પહોંચી હતી અને સાવ નાના વેપારીઓના દબાણ તોડી પાડ્‌યા હતા. અહીં આવેલી ખાણીપીણી બજારમાં દબાણ તોડવામાં આવ્યા હતા. પરંતુ વ્હાલા દવલાની નીતિનો અમલ તો અહીં કરવામાં આવ્યો જ હતો. માત્ર બે દબાણ હટાવીને બાકીના દબાણકારોને બક્ષી દેવાતા ભોગ બનેલાઓમાં રોષ ફેલાયો હતો. સેક્ટર ૧માં પંચતીર્થ કોમ્પલેક્સમાં ગત ૧૬મીએ ૧૫ દુકાનને તાળા મારી દેવાયા બાદ આ વેપારીઓ પંચતીર્થ ઓનર્સ એસો.ના નેજા હેઠળ મનપા પહોંચ્યા હતા અને દુકાનોના સીલ ખોલી આપવાની મ્યુનિ. કમિશનરને રજૂઆત કરી હતી. મીનાબજારમાં ખાણીપીણીની દુકાન ચલાવતા વેપારી રોશનભાઇએ ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું કે મહાપાલિકાના અધિકારીઓએ મને ટાર્ગેટ બનાવીને તોડફોડ મચાવી દઇ રૂપિયા ૧ લાખથી વધુનું નુકશાન કર્યું છે. હવે મારે વેપાર કઇ રીતે કરવો તે સમજાતુ નથી અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે કમાવા ક્યાં જવુ તેનો કોઇ રસ્તો રહ્યો નથી. અહીં બીજા વેપારીઓ દ્વારા પણ દબાણ કરાયેલા છે.

પંચતીર્થ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ કે જે રાઠોડે જણાવ્યું કે અમે દુકાન ખરીદીના સત્તાવાર દસ્તાવેજ કરેલા છે તેના માટે લોન લીધી છે અને બચતની રકમનું રોકાણ કર્યું છે. અમે મહાપાલિકાને પ્રતિ વર્ષ આકારણી પ્રમાણે ટેક્સ ભરપાઇ કરીએ છીએ. ત્યારે અન્ય સેક્ટરોમાં અમારા પ્રકારની દુકાનોને સીલ મરાયા નથી. તો સમાનતાની દષ્ટિ રાખીને સીલ ખોલી દેવા જોઇએ તેવી વેપારીઓ દ્વારા ઉગ્ર રજૂઆત તંત્ર સમક્ષ કરવામાં આવી હતી.

Previous articleગાંધીનગર ખાતે ભારતીય વાયુદળનો ૮૬મો સ્થાપના દિવસ ઉજવાયો
Next articleરાજભવન ખાતે રાજ્યપાલ દ્વારા પ્રણવ મુખર્જીનું સ્વાગત કરાયું