ગાંધીનગર ખાતે ગોપાલક વિકાસ નિગમ દ્વારા ઉચ્ચ શિક્ષણ-વ્યવસાય માટે ચેક વિતરણ સમારોહ યોજાયો

950

દરેક સમાજના સર્વાંગિણ વિકાસ માટે શિક્ષણ ખૂબજ જરૂરી છે. વ્યવસાયની સાથે સાથે તમામે શિક્ષિત બનવું જોઇએ. શિક્ષણ એ તમામ સમસ્યાઓનો હકારાત્મક સમાધાન-ઉકેલ છે, તેમ ગાંધીનગર ખાતે ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે યોજાયેલ ઉચ્ચ શિક્ષણ અને વ્યવસાય માટે ધિરાણ સહાય ચેક વિતરણ સમારોહ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું.

ગોપાલક  સમાજના ૬૨૧ લાભાર્થીઓને રૂ.૭.૫૨ કરોડના ધિરાણ સહાય ચેક વિતરણ કરતાં મંત્રી પરમારે કહ્યું હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારે દરેક સમાજના લોકોની ચિંતા કરી છે. રાજ્યમાં ૪૫ લાખથી વધુની વસતી ધરાવતો ગોપાલક સમાજ શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રે વધુ વિકસીત બને તે માટે તમામ સહાય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ગોપાલક સમાજે લોન-સહાયની રકમ સમય મર્યાદામાં પરત કરીને સામાજિક જવાબદારી નિભાવી છે જે ખરેખર પ્રશંસનીય છે. કોઇપણ સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચુ આવે તો ગરીબી નાબૂદ થાય. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ગોપાલક સમાજના ૨૯ તબીબી અને ૨૭ ઇજનેરે વિદ્યાર્થીઓને લોન સહાય આપી છે તેમ જણાવી મંત્રીએ તમામ લાભાર્થીઓને નવીન વ્યવસાય માટે શુભેચ્છાઓ આપી હતી.

પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઇ દેસાઇએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે માલધારી સમાજ સરકારની કલ્યાણકારી યોજનાઓના પરિણામે આર્થિક રીતે પગભર બન્યો છે. સરકારે સમયાંતરે આ સહાયમાં જરૂરિયાત મુજબ વધારો કર્યો છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે, ભારતવર્ષના ઇતિહાસમાં ગોપાલક સમાજની ભૂમિકા અગત્યની રહી છે. પશુપાલન વ્યવસાય અર્થવ્યવસ્થાને વધુને વધુ મજબૂત બનાવી રહ્યો છે. સરકાર દ્વારા  અપાતી લોન સહાય ધિરાણના પરિણામે ગોપાલક સમાજનો વિકાસ થયો છે. નિગમ દ્વારા અપાતી ધિરાણ સહાય સમયમર્યાદામાં પરત આવતી હોવાથી તેનો લાભ સમાજના વધુ લોકોને આપવામાં આવે છે. આગામી સમયમાં ગોપાલક સમાજને વધુ-સહાય ધિરાણ મળે તે માટે પણ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ પણ અગ્રવાલે ઉમેર્યુ હતું.

ટાઉન હોલ ખાતે આયોજિત ધિરાણ સહાય કાર્યક્રમમાં ૬૧૨ લાભાર્થીઓને પશુપાલન યોજના હેઠળ ગાય-ભેંસ ખરીદવા ૫ વિદ્યાર્થીઓને શિક્ષણ યોજના હેઠળ તેમજ નાના ધંધા, સ્વર્ણિમ યોજના, સ્વયં સક્ષમ યોજના અને ગોપાલક સ્વાવલંબન યોજના હેઠળ ૧-૧ એમ કુલ ૬૨૧ લાભાર્થીઓને રૂ.૭.૫૨ કરોડના ધિરાણના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.

Previous articleબિહારના રાજ્યપાલ અને ઉપમુખ્યમંત્રીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતનું નિમંત્રણ પાઠવ્યું
Next articleજમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ ફરીવાર વણસી : ત્રાસવાદી હુમલાનો ભય