ભાજપ-એનડીએને હરાવવા કોઈપણ પક્ષને સમર્થન આપવા તૈયાર : શંકરસિંહ વાઘેલા

1269

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીપંચને એક ખુલ્લો પત્ર લખીને ઈવીએમ મશીન અંગે જ્યાં સુધી મતદારોના મનમાંથી શંકા-કુશંકા દૂર ન થાય ત્યાં સુધી ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગણી કરી છે.

સાથે સાથે તેમણે જ્યાં સુધી બેલેટ પેપર દ્વારા ચૂંટણી ન થાય ત્યાં સુધી ઈવીએમ અને વીવીપીએટ મશીન અંગેની સરળ જાણકારી સામાન્યમાં સામાન્ય મતદારને મળે એવો પ્રચાર – પ્રસાર કરવાની માંગ કરી છે. એટલું જ નહીં તેમણે લોકસભાની ચૂંટણી વખતે તમામ મતદાન મથકોમાં વ્યાપટ મશીન મુકવા અને તેમાં જનરેટ થતી મતદાન આપ્યાની સ્લીપ ગણતરીમાં લેવાય તેવું ફરજીયાત કરવા પણ જણાવ્યું છે.

વિક્રમ સંવતમાં નવા વર્ષમાં આયોજીત પત્રકાર પરિષદમાં તેમણે જાહેર કર્યું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી. રાષ્ટ્રીય કક્ષાએ તેમની રાજકીય ભૂમિકા શું હશે તે અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં અને રાષ્ટ્ર્ય સ્તરે ભાજપને હરાવવા માટે જે કાંઈ કરવું પડે તે કરીશ. એના કારણોમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાને આપેલા વચનોમાં નિષ્ફળ ગયા છે. આ સરકારની સ્થિતિ વિમાન જેમ નોસ ડાઉન થઈને પડે તેમ એ પરિસ્થિતિમાં પહોંચી ગઇ છે અને દેશમાં મતદારોએ એનડીએની સરકારને હરાવવા માટે નિર્ણય કરી લીધો છે. રાષ્ટ્રીય કક્ષાએ તેઓ ભાજપની વિરૂદ્ધમાં ભાજપ વિરોધી તમામ રાજકીય પક્ષો એક મંચ પર આવે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. ભારતભ્રમણ ઝૂંબેશમાં તેમણે નવ રાજ્યોની મુલાકાત લઈ લીધી છે અને રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની વિરૂદ્ધમાં મહાગઠબંધન મોરચો રચાય તેવા પ્રયાસો કરી રહ્યાં છે.

તેમણે કહ્યું કે ભાજપ વિરોધી પક્ષો ભલે એકબીજાથી અલગ હોય જેમ કે દાખલો આપતા તેમણે કહ્યું કે બંગાળમાં મમતા બેનર્જી અને સામ્યવાદીઓ સામ સામે છે. સામ્યવાદીઓ અને કોંગ્રેસ સામ સામે છે. મમતા બેનર્જી અને કોંગ્રેસ પણ સામ સામે છે. તેમ છતાં લોકસભાની ચૂંટણીમાં આ રાજકીય પક્ષો સ્થાનિક કક્ષાએ એકબીજાની સામે ચૂંટણી લડશે તો પણ ભાજપ વિરોધી પક્ષોની ૩૦૦ બેઠકો આવશે અને આ પક્ષો એકમંચ પર આવીને વડાપ્રધાન કોણ બને તેનો નિર્ણય કરશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપ કે એનડીએ કોઈકાળે જીતવાના નથી.

એનડીએની નહીં પરંતુ યુપીએની જેમ મોરચાવાળી સરકાર આકાર લેશે અને તે માટેના જે કાંઈ પ્રયાસ કરવા પડે તે હું કરીશ. ખેડૂતના પ્રશ્નો અંગે તેમણે કહ્યું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર એમએસપી મિનિમમ સપોર્ટીંગ પ્રાઈઝ જાહેર કરે છે પરંતુ તેના વાસ્તવિક અમલ માટે જે મિકેનિઝમ ગોઠવવાવું જોઇએ તે ગોઠવાતું નથી. પરિણામે ખેડૂતોને આત્મહત્યા કરવી પડે છે. અમૂલ અને અન્ય ડેરીઓ દૂધના ભાવ ઘટાડી રહ્યાં છે તે અંગે તેમણે કહ્યું કે ગુજરાત અને કેન્દ્ર સરકાર પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધનાં ભાવમાં પણ કૃષિ ઉપજની જેમ એમએસપીની સિસ્ટમ દાખલ કરવી જોઇએ જેથી દૂધ ઉત્પાદકોને નુકસાન ન થાય અને ડેરીઓને જે નુકશાન થતું હોય તે તફાવતની રકમ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે આપવી જોઇએ.

Previous articleપરેશ રાવલે શિખામણ તો આપી પરંતુ ભૂતકાળમાં તેમના પોસ્ટર લાગ્યા હતા
Next articleદિલ્હીમાં રોડ શો : ગુજરાતમાં રોકાણ માટે મુખ્યમંત્રીનું ઉદ્યોગપતિઓને આમંત્રણ