ગોહિલવાડમાં તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી

1238

સમગ્ર ગોહિલવાડની સાથો સાથ શહેરભરમાં આજે ઠેર-ઠેર તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો ભાવિકોએ ઠાકોરજી સાથે તુલસીવૃંદાના વિવાહનો પ્રસંગ માણ્યો હતો.

કારતક સુદ ૧૧ના દિવસે તુલસી વિવાહની ઉજવણી કરાય છે. તયારબાદ લગ્ન સિઝન શરૂ થાય છે ત્યારે આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ઠેર-ઠેર ઉત્સાહભેર તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી અને ઠાકોરજી મહારાજના ભવ્ય વરઘોડો  નિળ્યા હતાં. જેમાં શહેરના ડાયમંડ ચોક ખાતે પરંપરા મુજબ ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાલજી મહારાજનો ભવ્ય વરઘોડો મહાકાળી મંદિર મેઘાણી સર્કલ ખાતેથી કાઢવામાં આવ્યો હતો અને વાજતે-ગાજતે લગ્ન સ્થળે પહોંચ્યો હતો જયાં તુલસીવૃંદાના વિવાહ કરાયા હતા જેનું આયોજન શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી સહિત ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત કાળીયાબીડ તુલસી ચોક ખાતે મહાપાલિકાના શાસકપક્ષના નેતા પરેશભાઈ પંડયા સહિત મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. લગ્ન સ્થળે આકર્ષક લાઈટ ડેકોરેશન ઉપરાંત કલાત્મક રંગોળી  બનાવવા સાથે ગતરાત્રીના ડાયરો પણ કરવામાં આવ્યો હતો. આજે રાત્રીના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં ઠાકોરજી અને તુલસી વૃંદાના વિવાહ ઉજવવામાં આવ્યા હતાં. જયારે મારૂતિગૃપ ભરતનગર દ્વારા તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રક્ષેશ્વર મહાદેવ મંદિરેથી લાલજી મહારાજનો વાજતે-ગાજતે વરઘોડો કાઢવામાં આવેલ અને ભાગ્યોદય સોસાયટી ખાતેના ભરતેશ્વર મહાદેવ મંદિરે લગ્નોત્સવ યોજાયો હતો. તુલસી વિવાહ નિમિત્તે ભરતનગર ખાતે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત માલધારી સોસાયટી ખાતે પણ યુવક મિત્ર મંડળ દ્વારા તુલસી વિવાહની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ખાંડીયાકુવા ખડીયાર યુવક મિત્ર મંડળ દ્વારા પ૭મો તુલસી વિવાહનો પ્રસંગ આજે  ભવ્યતાથી યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત – શહેરના આનંદનગર, સુભાષનગર ચિત્રા, પાનવાડી રોડ સહિતના વિસ્તારોમાં તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહની સાથો સાથ વિવિધ કાર્યક્રમો તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleદિવાળી વેકેશન પુર્ણ, શાળાઓ શરૂ
Next articleસમભાવ દ્રષ્ટિથી સંવેદના જાગે છે