મોરારિબાપુ દ્વારા તલગાજરડા ખાતે રવિવારે સંતવાણી એવોર્ડ કાર્યક્રમ

1456

પૂજ્ય બાપુ ની પ્રેરણાથી  પ્રતિવર્ષ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની  વંદના નિમિત્તે અનોખા ઉપક્રમ યોજાતા રહે છે. એ પૈકીનો એક કાર્યક્રમ “સંતવાણી અવોર્ડ” ૨૫ નવેમ્બરે બપોરના ૩ /૩૦થી ચિત્રકૂટધામ ખાતે યોજાશે.

સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવા માટે બાપુ બિલકુલ સહજતાથી સમગ્ર મનુષ્યતાને ભેટવાનો મનસૂબો લઈને બેઠા છે. તેમની નિશ્રામાં અનેક પ્રકલ્પો કશા જ આડંબર વિના ગુપ્ત સરસ્વતીની જેમ સમાજ જીવનના અનેક ત્રિભેટે ત્રિવેણી તીર્થ રચી રહ્યા છે. સમગ્ર સમાજને પલ્લવિત, પ્રફુલ્લિત અને પુલકિત બનાવવા માટેનો આ પરિણામદાયી પુરુષાર્થ છે.

રાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરા સ્મૃતિશેષ થવાને બદલે સંવર્ધિત થાય, સમાજજીવનની સામાજિક, સાંસ્કૃતિક, અધ્યત્મિક, શૈક્ષણિક અને કલા વિષયક ધરોહર જડ અને એકાંગી ન રહેતા તેમાં સમય – સંજોગો મુજબ નાવીન્ય પ્રકટે અને આપણા પ્રાચીન વારસાનું વહેણ કદી સુકાય નહીં એવા સંકલ્પ સાથે બાપુ શુભત્વની વંદના કરી,તેને શ્રેષ્ઠત્વ બક્ષવા ઉત્સુક છે. આ ઉદ્યમ પાછળ પૂજ્ય બાપુનું માણસ તરફનું કેવળ અહેતુ હેત છે,સર્વનો સ્વીકાર છે, સ્વાનતઃ સુખ સાથે સર્વોત્કર્ષનો સદ્ભાવ છે. શુદ્ધત્વ અને બુદ્ધત્વ ના સમન્વયથી પ્રક્ટેલા સંતત્વના તેજપૂંજથી આપણાં અંધારા ઉલેચી, અજવાસથી આલોકિત કરતું એક કિરણ “સંતવાણી એવોર્ડ” છે.

બાપુના પિતાશ્રી પ્રભુદાસજી સમાધિસ્થ થયા એ દિવસ હતો કારતક વદ બીજ. બાપુ કહે છે કે “સાધુની સમાધિ એ ઉત્સવનો દિવસ હોય છે.” ૨૦૦૮ થી સમાધિસ્થ સાધુને ભજનગાન દ્વારા શ્રદ્ધા-સુમન અર્પણ કરવાનો ઉત્સવ પ્રતિવર્ષ “સંતવાણી – એવોર્ડ” થી ઉજવાય છે.

ભજન વ્યાખ્યાનો વિષય નથી પણ શબ્દ સિવાય આપણી પાસે વ્યક્ત થવાનું અન્ય કોઈ માધ્યમ નથી એટલે એમ કહીએ કે સંતવાણી શાંતિ આપે છે, પરમને પામવાનો મારગ ચીંધે છે. એટલે જ બાપુએ આપણી આ પાવન પરંપરા પશ્ચિમી વાયરાના વાવાઝોડામાં નષ્ટપ્રાય કે વિકૃત ન થાય પણ નાવીન્ય પામે અને વધુ લોક ભોગ્ય બને એ માટે ભક્તકવિઓ, ભજનગાયકો, વાદકો અને ભક્તિ સાહિત્યના મિમાંસકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવા મનોરથ સાથે સંતવાણી નો ઉપક્રમ આરંભ્યો હશે.

બાપુ તો ભજનને બ્રહ્મનો પર્યાય કહે છે. બાપુ તો ત્યાં સુધી કહે છે કે પોતાના પરમ પ્રિય, પરમ પવિત્ર ગ્રંથ રામચરિત માનસમાંથી કોઈ એક અને માત્ર એક શબ્દની પસંદગી કરવાની હોય તો તે “ભજન “શબ્દ પસંદ કરે.! આ પ્રકારે એવોર્ડ અર્પણ કરવાના કાર્યક્રમો આરંભાયાનું કારણ આપતા બાપુ પોતાની સ્વાભાવિક વિનમ્રતાથી કહે છે કે “એવોર્ડ તો એક બહાનું છે. આ બહાને અમે તમને તેડાવી શકીએ છીએ. મારે ય તમને પગે લાગવું છે, સાહેબ. વ્યાસપીઠને આખી દુનિયા નમે છે. તમે મને એમ તો નમવા ન દયો. આ બહાને મારે તમને બધાને નમવું છે.

Previous articleખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે સિહોર કોંગ્રેસ દ્વારા ધરણા
Next articleઅધેવાડા પાસે કાર – ટ્રકના અકસ્માતમાં યુવકનું મોત