મોદી ભારત માતા કી જય બોલે છે,પણ અંબાણી માટે કામ કરે છેઃ રાહુલ ગાંધી

886

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેરોજગારી, ભ્રષ્ટાચાર અને ખેડૂતોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે મોદી પોતાના દરેક ભાષણમાં ભારતમાતા કી જય બોલે છે. પરંતુ તેઓ અનિલ અંબાણી માટે કામ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશના કેટલાક મુખ્ય ઉદ્યોગપતિઓએ જ મોદીને વડાપ્રધાન બનાવ્યા છે. અલવરના માલાખેડાની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી પોતાના ભાષણની શરૂઆતથી ઘણાં આક્રમક અંદાજમાં દેખાયા હતા. અલવરમાં ચાર બેરોજગાર યુવાનો દ્વારા કરવામાં આવેલી આપઘાતની ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ હતુ કે જો રોજગાર ઉપલબ્ધ કરાવાયા છે. તો ભારતના ઈતિહાસમાં પહેલીવાર અલવરમાં ચાર યુવકોએ એકસાથે આત્મહત્યા શા માટે કરી? રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ હતુ કે તેઓ અનિલ અંબાણીને દરરોજ ફોન કરે છે. પરંતુ શું ક્યારેય પીએમએ ચારેય યુવકોના પરિવારજનોને પણ ફોન કર્યો છે? કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે દરેક ભાષણમાં મોદી કહે છે કે ભારતમાતા કી જય અને કામ કરે છે અનિલ અંબાણી માટે, તેમણે પોતાના ભાષણની શરૂઆત કરવી જોઈએ અનિલ અંબાણીની જય, મેહુલ ચોકસીની જય, નીરવ મોદીની જય.

રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોદી ભારતમાતા કી જયની વાત કરે છે. તો તેઓ ખેડૂતોને કેવી રીતે ભૂલી ગયા? તેમણે પંદર લોકના ૩.૫ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. પરંતુ અલવર અને રાજસ્થાનના ખેડૂતોનો તેમણે એક રૂપિયો પણ માફ કર્યો નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે નોટબંધી કાળાધન વિરુદ્ધની લડાઈ ન હતી. પરંતુ આ તો તેને સફેદ કરવાની લડાઈ હતી. જેથી મોદીએ જનતાને કતારોમાં ઉભી રાખીને આ નાણાંથી ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે દેશના મોટા ઉદ્યોગપતિઓએ મોદીને વડાપ્રધાન બનાવ્યા.

મોદી સરકારને હિંદુસ્તાનના સૌથી મોટા ઉદ્યોગપતિઓએ બનાવી હતી. માર્કેટિંગ તેમનું હતું. ટેલિવિઝન પર તેમની તસવીરો લગાવાઈ, મોટીમોટી મીટિંગો માટે તેમને નાણાં આપ્યા. ઉદ્યોગપતિઓએ નરેન્દ્ર મોદીને હિંદુસ્તનાના વડાપ્રધાન બનાવ્યા.

જેથી નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડ રૂપિયા આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે રાજસ્થાનની સરકારને કોઈ ઉદ્યોગપતિ બનાવી રહ્યો નથી. રાજસ્થાનની સરકારને ખેડૂતો, મજૂરો, નાના દુકાનદારો બનાવી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીની સરકાર બન્યાના દશ દિવસોમાં ખેડૂતોને દેવામાફી આપવામાં આવશે. રાંધણગેસના ભાવવધારાના મામલે પણ રાહુલ ગાંધીએ મોદી સરકારે નિશાન સાધ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આમા ખેડૂતો દ્વારા જમા કરાવવામાં આવેલા ૪૫ હજાર કરોડ રૂપિયામાંથી ૧૬ હજાર કરોડ રૂપિયા દેશના સૌથી અમીર લોકોના ખિસ્સામાં ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ વીમાની યોજના નથી. આને અનિલ અંબાણી યોજના, મેહુલ ચોક્સી, નીરવ મોદી, વિજય માલ્યા યોજના કહેવી જોઈએ.

Previous articleપૂર્વ રાષ્ટ્રપતિને વર્તમાન રાષ્ટ્રપતિની પુષ્પાંજલી
Next articleસોનિયા, રાહુલ સામે કેસ ખોલવા આઈટી વિભાગને સુપ્રિમની બહાલી