સુબોધના કુટુંબના સભ્યો મુખ્યમંત્રી યોગીને મળ્યા

605

પશ્ચિમ ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ભીડની હિંસામાં શહીદ થયેલા પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહના પરિવારના સભ્યો આજે સવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને મળવા માટે પહોંચ્યા હતા. શહીદ ઇન્સ્પેક્ટરના પરિવારના સભ્ય સવારે ૯.૩૦ વાગે  મુખ્યપ્રધાનના આવાસ પર પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મુખ્યપ્રધાન યોગીએ તમામ પ્રકારની મદદ આપવાની ખાતરી આપી હતી. સાથે સાથે દોષિતોને કોઇ કિંમતે નહીં છોડવાની ખાતરી આપી હતી. મુખ્યપ્રધાને પરિવારને અસામાન્ય પેન્સન, એક સભ્યને નોકરી આપવા અને શહીદ સુબોધના નામ પર જૈથરા કુરાવલી માર્ગનુ નામ રાખવાની પણ ખાતરી આપી હતી. સાથે સાથે સુબોધે હોમ લોન આશરે ૩૦ લાખ રૂપિયા લીધી હતી. આ હોમલોનની ચુકવણી પણ હવે સરકાર દ્વારા કરવામાં આવનાર છે. ઇન્સ્પેક્ટર સુબોધસિંહના પુત્રોના અભ્યાસ ઉપર થનાર ખર્ચની રકમ પણ ઉત્તરપ્રદેશ સરકાર જ ચુકવશે. આ ઉપરાંત ડીજીપી ઓફિસની તેમના બાળકોની સિવિલ સર્વિસના કોચિંગમાં મદદ કરવાની ખાતરી આપી હતી.

મુખ્યમંત્રીએ પહેલાથી જ પરિવારને ૫૦ લાખ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીને મળવા માટે ઇન્સ્પેક્ટર સુબોધના પત્નિ રજની, તેમના પુત્રો અને બહેન પહોંચ્યા હતા. યોગીએ પરિવારને કઠોર કાર્યવાહીની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે, કોઇને પણ છોડવામાં આવશે નહીં. ત્રણ ટીમો કામ કરી રહી છે. પત્નિએ મુખ્યમંત્રીને તમામ બાબતો અંગે માહિતી આપી હતી. સુબોધકુમારની બહેને પણ પોલીસ ઉપર અગાઉ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં સોમવારના દિવસે ગૌહત્યાની અફવા બાદ ફેલાયેલી વ્યાપક હિંસા બાદ હજુ સ્થિતી વિસ્ફોટક રહી છે.  બીજી બાજુ પોલીસ દ્વારા વ્યાપક દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો છે. પોલીસે તપાસને વધારે ઝડપી બનાવીને હજુ સુધી બે લોકોની ધરપકડ કરી છે. બીજી બાજુ હિંસાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફઆઇઆરમાં ૮૭ લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો સક્રિય થઇ છે. પોલીસે આજે કહ્યું હતું કે, છ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે તપાસ કરી રહી છે. આ મામલામાં મુખ્ય આરોપી તથા બજરંગ દળના જિલ્લા સંયોજક યોગેશ રાજને પકડી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. યોગેશ રાજ મુખ્ય આરોપી છે તેના ઉપર એફઆઈઆરમાં હિંસા ભડકાવવાના આક્ષેપ મુકવામાં આવ્યા છે. ઘટનાના ગાળા દરમિયાન સુબોદકુમાર સિંહે તેને સમજાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે માન્યો ન હતો. આરોપીએ હિંસા ભડકાવી હતી. યોગેશ રાજને હજુ પકડી પાડવામાં આવ્યો નથી. યોગેશ રાજ પહેલા પ્રાઇવેટ નોકરી કરતો હતો અને ૨૦૦૬માં યોગેશ બજરંગ દળમાં જિલ્લા સંયોજક બન્યો હતો. વહીવટીતંત્ર દ્વારા જુદી જુદી ટીમો રોકીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં ૨૭ લોકોના નામનો ઉલ્લેખ છે જ્યારે અન્ય ૬૦ લોકો વણઓળખાયેલા લોકો પણ રહેલા છે. આ હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમાર સિંહ શહીદ થયા હતા.

Previous articleકુખ્યાત મુસા હાલ પંજાબમાં છુપાયો : હાઈ એલર્ટ
Next articleકાશ્મીર : અંકુશરેખા ઉપર બીજા દિને પણ ગોળીબાર