અકસ્માતમાં ફેટલના કેસમાં લાઇસન્સ જમા કરાવવું પડશે

780

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાહનોની સંખ્યા વધવાની સાથેસાથે અકસ્માતના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. રોડ સેફ્‌ટીથી લઈને અકસ્માતન કેસો ઘટાડવા માટે સરકાર દ્વારા પણ કડક કાયદા બનાવાય છે.

ફેટલ એક્સિડેન્ટ એટલે કે જીવલેણ અકસ્માતોના કેસમાં દોષિત વાહન ચાલકનું લાયસન્સ રદ્દ કરવા સુધીના કાયદા બનાવાય છે. ત્યારે આવા કેસોમાં કોઈ ‘છટકબારી’ શોધી કોઈ ચાલક બચી ન જાય તે માટે ગાંધીનગર એઆરટીઓ દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખાયો છે. જેમાં ફેટલના કેસોમાં લાયસન્સ ફરજિયાત આરટીઓમાં જમા થાય તેવી અપીલ સાથે તે બાદ વ્હીકલ ઈન્સ્પેક્શનની વાત કરાઈ છે.

ગાંધીનગર એઆરટીઓ દ્વારા ગાંધીનગર એસપીને પત્ર લખાયો છે, જેમાં ફેટલના કેસમાં પ્રાથમિક દ્રષ્ટિએ દોષીત ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ કર્યા બાદ જ આરટીઓ દ્વારા વ્હિકલનું ઈન્સ્પેક્શન કરાશે તેવો ઉલ્લેખ કરાયો છે.

પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આઈસીપી-૩૦૪-એ મુજબ ફેટલ એક્સિડેન્ટમાં સામેલ કે દોષીત ઠરેલ વાહનોના ઈન્સ્પેક્શન માટે યાદી આપવામાં આવતી હોય છે.

ત્યારે હવે ગાંધીનગર એઆરટીઓએ જિલ્લામાં થતા ફેટલ એક્સિડેન્ટમાં સામેલ વાહન ચાલકોના લાયસન્સ જમા લઈને આરટીઓમાં જમા કરાવવાની વિનંતી કરી છે. કારણ કે ગાંધીનગરમાં વધી રહેલાં જીવલેણ અકસ્માતો સામે ગાંધીનગર આરટીઓમાં છેલ્લા ૮ મહિનામાં આવા ૬૬ લાયસન્સ જમા કરાવવામાં આવ્યા છે.

આવા કેસમાં ક્યાંકને ક્યાંક કોઈ ‘છટકબારી’ શોધીને બચી જતા વાહન ચાલકો છટકે નહીં તે માટે આરટીઓ દ્વારા આ પત્ર લખાયો છે. જેથી લાયસન્સ સસ્પેશનની કામગીરી વધુ સારી રીતે થઈ શકે. કારણ કે મોટર વ્હીકલ એક્ટ-૧૯૮૮ના સેક્શન ૧૯ અને ૨૨ મુજબ ફેટલ એક્સિડેન્ટમાં સામેલ દોષીત ગણેલા વાહન ચાલકના લાયસન્સના સસ્પેન્શનની કામગીરી આરટીઓ ડિપાર્ટમેન્ટે કરવાની હોય છે.

ગાંધીનગર ઈન્ચાર્જ એઆરટીઓએ વ્હીકલ ઈન્સ્પેક્શનની કામગીરી લાયસન્સ જમા થયા પછી જ કરવાની વાત પત્રમાં લખી છે તેથી હવે જ્યારે પણ કોઈ ફેટલનો કેસ નોંધાશે ત્યારે જે તે વાહનના ચાલક અથવા માલિકે તેમના લાઇસન્સ જમા કરાવવા પડશે.

Previous articleશ્રી બાવનવાંટા રાજપુત સમાજનું સ્નેહમિલન યોજાયું
Next articleભરવાડ સમાજે યુવાનોને ૩૦૦ પીક-અપ વાન અને કાર