વાયબ્રન્ટ સમિટમાં પાંચ હજાર વાહનો માટે ૧૫ પાર્કીંગ પ્લોટ ઉભા કરાશે

856

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં આગામી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે તે માટેની હાલ તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવનાર મહાનુભાવોના વાહનર્પાકિંગ માટે ૧પ જેટલા સ્થળ નક્કી કરવામાં આવી રહયા છે.  આ સ્થળોએથી તેમને લઈ જવા માટે ર૦૦ જેટલી લકઝુરીયસ બસો મુકવામાં આવનાર છે. આ માટે ખાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે. તો વીઆઈપી મહાનુભાવો માટે મહાત્મા મંદિર પાસે જ પાર્કીંગની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ગાંધીનગરમાં દર બે વર્ષે યોજાતી વાયબ્રન્ટ સમિટ માટે તંત્ર છેલ્લા ત્રણ મહિનાથી કામે લાગી ગયું છે. સરકારના વિવિધ વિભાગો અને ગાંધીનગર જિલ્લાનું વહીવટી તંત્ર હાલ ફકત અને ફકત વાઈબ્રન્ટની તૈયારીમાં લાગી ગયું છે. અધિકારીઓ અને કર્મચારીઓ વાયબ્રન્ટની મિટીંગો કરી રહયા છે. ત્યારે જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટમાં દેશના વડાપ્રધાન તેમજ દેશ વિદેશના મહાનુભાવો પધારવાના છે. ગાંધીનગરમાં કોઈ કચાશ ના દેખાય તે માટે તમામ તૈયારીઓ થઈ રહી છે. ગાંધીનગર પહોંચનારા મહાનુભાવોના વાહનો પાર્ક થઈ શકે તે માટે કલરકોડ આધારે ૧પ જેટલા ર્પાકિંગ સ્થળ નિયત કરવામાં આવી રહયા  છે.

મહાત્મા મંદિરથી લઈ શહેરના ખુણેખૂણે આ પાર્કીંગ સ્થળો રાખવામાં આવ્યા છે. પાર્કીંગ સ્થળોએથી ડેલીગેટ્‌સને મહાત્મા મંદિર સુધી લઈ જવા માટે ર૦૦ જેટલી લકઝુરીયસ બસ મંગાવવામાં આવનાર  છે. સરકારી અને ખાનગી આ બસોનો ઉપયોગ કરવામાં આવશે. તો જે ડેલીગેશનો અમદાવાદ રોકાયા હશે તેમના માટે પણ આ બસોનો ઉપયોગ કરવામાં આવનાર છે.

વાયબ્રન્ટ માટે બનાવવામાં આવેલી ર૧ કમિટીઓમાં પાર્કીંગ કમિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાર્કીંગ સ્થળોએ પણ જરૃરી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે. અહીં બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી અને શૌચાલયની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

નોંધવું રહેશે કે દર વખતે સમીટમાં મોટા પ્રમાણમાં પાર્કીંગ વ્યવસ્થા રાખવામાં આવે છે પરંતુ સે-૧૭ એક્ઝિબીશન સેન્ટર આસપાસના વિસ્તારોમાં આડેધડ પાર્કીંગની સમસ્યા ખુબજ વકરે છે ત્યારે આ વખતે તંત્રએ આડેધડ પાર્કીંગને અટકાવવા માટે ખાસ એકશન પ્લાન બનાવવો જોઈએ તેવું લાગી રહયું છે.

Previous articleઇડર તાલુકાના રેવાસમાં દિવાલ તૂટી પડતા ચાર દબાયા : ૧નું મોત : ૩ને ઈજા
Next articleBJP મહિલા સમ્મેલન : નેતાઓએ છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરતા,મહિલા અગ્રણીઓ રઝળ્યાં