મોટા સંકુલોની કમ્પાઉન્ડ વોલની આસપાસ કે રોડ પર બેસુમાર ગંદકીને દૂર કરવા માટે આદેશ કરાયો

727

કલેક્ટર અને કમિશનર સહિતના અધિકારીઓએઆ મુદ્દે બેઠક યોજીને સફાઇના મામલે જ્યાં જરૂર પડે ત્યાં કાનુની કાર્યવાહી પણ કરવા અને દાખલારૂપ પગલા ભરવા અનિવાર્ય ગણાવ્યા હતા. નગરને દબાણ અને ગંદકી મુક્ત કરવામાં સરકારી સ્થાનિક તંત્રને મળેલી સફળતાની સાથે લારી-ગલ્લા અને પાથરણાવાળાની રોજગારી છીનવાતા તેમના પ્રશ્ને પણ ચર્ચા કરાઇ હતી અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર પર યોજાનાર આફ્રીકા દિવસ અને વાઇબ્રન્ટ સમિટના સમાપન બાદ આ મુદ્દો હાથ ધરાય તેવી શક્યતા છે.

નગરને ચોખ્ખુ કરવા માટે જરૂર જણાશે તો અમદાવાદ મહાપાલિકા પાસેથી પણ ૧૦૦થી વધુ કામદારો અને સુપરવાઇઝરની ટુકડીને પણ મહાત્મા મંદિર પરિષર પર કામે લગાડવામાં આવશે. ત્યારે મોટાગજાની સંસ્થાઓ પણ આ સૌથી મહત્વની બાબતે વધુ સજાગ બનીને પરિણામ લાવવામાં સહયોગ આપે તે વાત પર પ્રભારી સચિવે ભાર મુક્યો હતો અને આવી દરેક સંસ્થાઓને તેને લાગુ પડતા જાહેર વિસ્તારમાં સફાઇ કરવાનું કહી દેવાની તાકીદ કરવામાં આવી હતી.

વાઇબ્રન્ટ સમિટ અને સ્વચ્છતા સર્વેક્ષણ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે શહેરને વધુ સ્વચ્છ બનાવવા પર વધુ ભાર મૂકવાનું શરૂ કરાયું છે. તેમાં નગરની તમામ આગેવાન સંસ્થાને તેમના સંકુલની બહાર પણ દરરોજ સફાઇ કરવાની તાકીદ કરાઇ છે. પાટનગરમાં ખાસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનાં ધાર્મિક અને શૈક્ષણિક સંકુલ આવેલા છે. સ્વાભાવિક રીતે સંસ્થાઓ તેને અંદરથી ખુબસુરત રાખે છે. પરંતુ બહાર તેની કમ્પાઉન્ડ વોલની આસપાસ કે રોડ પર બેસુમાર ગંદકી હોય છે. હવે તેનું વ્યવસ્થાપન કરવા પ્રભારી સચિવે કહ્યું છે. તેથી આગામી દિવસોમાં હવે તેનો કડક હાથે અમલ કરાવવામાં આવશે.

જાન્યુઆરી મહિનામાં દેશ વ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯નો પ્રારંભ થવાનો છે. મહાપાલિકા તંત્ર વાઇબ્રન્ટ સમિટ સંબંધમાં શહેરને સ્વચ્છ બનાવવામાં લાગ્યુ છે. ત્યારે સર્વેક્ષણના સંબંધમાં કરવાની કામગીરી મુદ્દે કમિશનર દ્વારા હાલની સ્થિતિની સમિક્ષા કરાશે.

વાઇબ્રન્ટ સમિટને લઇ માર્ગો, સ્થળોની સફાઇમાં વન તંત્ર પણ વ્યસ્ત છે. સ્વચ્છતા સર્વેક્ષણને લઇ તમામ જાહેર સ્થળોની સફાઇ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ભાર મુકાશે.

Previous articleસ્મૃતિ ઈરાની સાથે સેલ્ફી પડાવવા ધકકા-મુકકી થતાં ગુસ્સે ભરાયા
Next articleજિલ્લામાં ખેતીની જમીન ઉપર બનેેલી હોટલોે બંધ કરાવી દેવાશે