ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા ૨૦૦ હિન્દુઓની થઈ ‘ઘર વાપસી’

761

નાતાલ પર્વની શરૂઆતમાં વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં ખ્રિસ્તી મિશનરીઓ મોટા ધાર્મિક સંમેલનો યોજાયા છે. ખ્રિસ્તીઓના આ સંમેલનમાં ચમકદમકથી આદિવાસીઓને આકર્ષી અને તેમાં આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપો સાથે ખ્રિસ્તી મિશનરીઓના ધાર્મિક સંમેલનો વિવાદમાં આવે છે. ત્યારે હવે હિન્દુ સંગઠનો પણ નાતાલ પર્વ દરમિયાન હિન્દુ ધર્મ જાગરણ સંમેલનો યોજી અને ધર્મ પરિવર્તન કરેલા હિન્દુ આદિવાસીઓને સમજાવી ઘર વાપસી કરાવવાનું અભિયાન શરૂ કર્યું છે. કપરાડાના અંતરિયાળ આસલોના ગામમાં યોજાયેલા હિન્દુ ધર્મ જાગરણ સંમેલનમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલ ૨૦૦ થી વધુ આદિવાસી પરિવારોને ફરી પાછા હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી. આમ  ખ્રિસ્તીઓના દરેક ગામમાં ચર્ચના જવાબમાં હિન્દુ સંગઠનોએ દરેક ગામમાં હનુમાનજીનું મંદિર બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

વલસાડ જિલ્લાના છેવાડે આવેલ પહાડી અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. જે રાજ્ય અને દેશમાં ચાલતી વિકાસની યાત્રામાં પછાત રહી ગયેલા વિસ્તારો પૈકીનો એક ગણવામાં આવે છે. આ પછાત અને અંતરીયાળ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મ પરિવર્તન અને વટાળ પ્રવૃત્તિ મોટાપાયે ચાલતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. છેલ્લા ૧૫ વર્ષથી મિશનરીઓ દ્વારા આ વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓને નવા નવા પ્રલોભનો આપી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હોવાના હિન્દુ સંગઠનો આક્ષેપ કરી રહ્યા છે. આ વર્ષે પણ નાતાલ પર આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અનેક ધાર્મિક સંમેલનો અને કાર્યક્રમો  યોજાઈ રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂકેલ આદિવાસી પરિવારો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે નાતાલ પર્વ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓના આવા સંમેલનોને લઇ હિન્દુ સંગઠનો પણ આગળ આવ્યા છે અને નાતાલનાં પર્વ દરમ્યાન કપરાડા અને ધરમપુર તાલુકામાં હિંદુ ધર્મ જાગરણ સંમેલનો યોજાઈ રહ્યા છે.

એક અંદાજ મુજબ છેલ્લા ૧૫ વર્ષથી આ વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલી રહેલા વટાળ પ્રવૃત્તિને લીધે કપરાડા તાલુકામાં જ અત્યાર સુધીમાં અંદાજે ૪૦ હજારથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે. જેથી હવે હિન્દુ સંગઠનો પણ જાગ્યા છે. કપરાડા તાલુકાના ૬ હજાર લોકોની વસ્તી ધરાવતા આસલોનાં આ ગામમાં છેલ્લા ૧૫ વર્ષમાં ત્રણથી વધુ ચર્ચ બની ચૂક્યા છે અને ૬૦૦થી વધુ આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી ચૂક્યા છે.

Previous articleરોહિત એમસીજી પર સિક્સ મારે તો હું મુંબઈમાંથી રમીશઃ પેન
Next articleબાળ આરોપી સહિત ૬ને આજીવન કેદ, નવા જૂવેનાઈલ એક્ટ અંતર્ગત દેશમાં પહેલીવાર સજા