ત્રિપલ તલાક બિલ પાસ : સરકાર- વિપક્ષ આમને-સામને

678

ત્રિપલ તલાક બિલ ૨૦૧૮ આજે લોકસભામાં પાસ થઇ ગયું હતું. હવે આને રાજ્યસભામાં મંજુરી માટે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જ ત્રિપલ તલાક કાનૂન બની શકશે. સંસદમાં વર્તમાન ૨૫૬ સાંસદોમાંથી ૨૪૫ સભ્યોએ તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે ૧૧ સભ્યોએ વિરોધ કર્યો હતો. આની સાથે જ ગૃહમાં અસાસુદ્દીન ઓવૈસીએ ત્રણ સુધારા પ્રસ્તાવને પણ મંજુરી મળી ન હતી. અન્ય કેટલાક સુધારા પ્રસ્તાવને પણ મંજુરી મળી ન હતી. કોંગ્રેસ અને અન્નાદ્રમુકના સભ્યોએ બિલના વિરોધમાં વોકઆઉટ કર્યો હતો. વોટિંગના ગાળા દરમિયાન ઉપસ્થિત રહ્યા ન હતા. સમાજવાદી પાર્ટીના સભ્યોએ પણ વોટિંગમાં ભાગ લીધો ન હતી. આ બિલની સામે લાવવામાં આવેલા તમામ સુધારા પ્રસ્તાવ ઉડી ગયા હતા. જો કે, રાજ્યસભામાં હવે તકલીફ પડશે. ડિસેમ્બર ૨૦૧૭માં પણ લોકસભામાં ત્રિપલ તલાક બિલને મંજુરી મળી હતી પરંતુ રાજ્યસભામાં આ બિલ ઉડી ગયું હતું. ત્યારબાદ સરકારે ત્રિપલ તલાકને લઇને વટહુકમ લાવીને ફરીથી સરકારને આજે લોકસભામાં સુધારા બિલ રજૂ કરવાની ફરજ પડી હતી. લોકસભામાં ત્રિપલ તલાકને અપરાધ તરીકે ગણવાના બિલને  મંજુરી આપવા માટે સરકાર માટે રાજ્યસભામાં આને પસાર કરવાની બાબત પડકારરુપ રહેશે. ગૃહમાં એનડીએ પાસે બહુમતિ નથી. લોકસભામાં તેની પાસે બહુમતિ છે. આજે ત્રિપલ તલાક બિલ ઉપર જોરદાર ચર્ચા ચાલી હતી. દિવસ દરમિયાન લોકસભા સ્પીકરે સરકાર અને વિપક્ષને ચર્ચા માટે ચાર કલાકનો સમય આપ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે, આ બિલમાંથી ત્રિપલ તલાકને દંડ માટેના અપરાધમાંથી દૂર કરવામાં આવે તે જરૂરી છે. જો કે, સરકારે આને મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણની દિશામાં પહેલ તરીકે ગણાવી છે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે ડિબેટ દરમિયાન કહ્યું હતું કે, ત્રિપલ તલાક લેનાર મુસ્લિમ પુરુષો માટે સજાની જોગવાઈ કરનાર આ બિલ કોઇ રાજનીતિ નથી બલ્કે મહિલાઓને ન્યાય અપાવવાની દિશામાં પહેલ તરીકે છે. બિલને રાજકીય દ્રષ્ટિથી જોવાની જરૂર નથી. આ બિલ માનવતા અને ન્યાય માટે છે. ૨૦ ઇસ્લામિક દેશોમાં પણ તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે. આ સંવેદનશીલ મામલાને રાજકીય ચશ્માથી જોવામાં ન આવે તે ખુબ જરૂરી છે. આ બિલમાં અનેક જોગવાઈઓ રહેલી છે. કોંગ્રેસ અને ઓવૈસીએ કહ્યું હતું કે, બિલમાં અનેક જોગવાઈ ગેરબંધારણીય છે જેથી આ બિલને સિલેક્ટ કમિટિને મોકલવામાં આવે તે જરૂરી છે. બંને ગૃહોની સંયુક્ત કમિટિને આ બિલ મોકલી દેવાની માંગ કરવામાં આવી હતી. બિલમાં ચકાસણી થઇ શકે તેવી રજૂઆત કોંગ્રેસ તરફથી કરવામાં આવી હતી. અન્ના દ્રમુક, ટીએમસી અને અન્યોએ પણ આવી જ રજૂઆત કરી હતી. એનસીપી તરફથી પણ આવી જ માંગ કરવામાં આવી હતી. આવું જ એક બિલ લોકસભામાં ચર્ચા બાદ પસાર થઇ ચુક્યું છે. કોંગ્રેસના સભ્ય સુષ્મિતા દેવે કહ્યું હતું કે, સશક્તિકરણના નામ પર સરકાર મહિલાઓને માત્ર કેસને લઇને મુશ્કેલીમાં મુકી રહી છે. આ બિલનો ઉદ્દેશ્ય મહિલાઓને સશક્ત કરવાના બદલે મુસ્લિમ પુરુષોને સજા કરવાનો વધુ છે. ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કહ્યું હતું

કે, ત્રિપલ તલાકનો વિરોધ કરનાર લોકોને તેઓ પુછવા માંગે છે કે, કુરાનના કયા સુદામાં તલાક એ બિદ્દતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મહિલા અને પુરુષનો વિષય નથી. સંપૂર્ણરીતે માનવ અધિકાર ભંગ સાથે જોડાયેલો મામલો છે. ત્રિપલ તલાકને દંડવાળા અપરાધ ગણવાના બિલને ૧૭મી ડિસેમ્બરના દિવસે લોકસભામાં રજૂ કરાયું હતું.

જો આ બિલને મંજુરી મળે છે તો તે સપ્ટેમ્બરમાં અમલી કરવામાં આવેલા વટહુકમની જગ્યા લેશે. સૂચિત કાયદા મુજબ ત્રિપલ તલાક લેવાની બાબત ગેરકાયદે રહેશે. ત્રિપલ તલાક લેનારના મામલામાં પતિને ત્રણ વર્ષની જેલની સજા થશે. ત્રિપલ તલાક બિલ પર લોકસભામાં કોંગ્રેસે વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આ બિલ જોઇન્ટ સિલેક્ટ કમિટિની પાસે મોકલવામાં આવે તે જરૂરી છે અને ૧૫ દિવસમાં રિપોર્ટ લેવાની જરૂર છે.

Previous articleમુંબઈઃ ચેમ્બુરના બહુમાળી એપાર્ટમેન્ટમાં આગ લાગી, ઘણા પરિવારો ફસાયા
Next article૭ કરોડના ખર્ચે બની રહેલ સાયકોલોન સેન્ટરના કામમાં લોટ પાણીને લાકડા !