સેકટર-૨૬ના મકાનમાંથી ૩.૬૦ લાખના દાગીનાની ચોરી

753

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના સે-ર૬માં ગ્રીન સીટી સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરો બારીની ગ્રીલ તોડીને તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને અન્ય ચીજવસ્તુ મળી ૩.૬૦ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. આ અંગે સે-ર૧ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહયા છે ત્યારે શિયાળાની આ ઋતુમાં તસ્કરો પણ બેફામ બન્યા છે. પોલીસ દ્વારા ઘરફોડ ચોરી અટકાવવા માટે એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે પરંતુ તસ્કરો આ પ્લાનને પણ તોડી રહયા છે ત્યારે ગઈકાલે શહેરના સે-ર૬માં ગ્રીન સીટી સોસાયટીના મકાન નં.એ/૧-૧ર માં રહેતાં અને નિવૃત જીવન ગુજારતાં ગીરીશભાઈ રસીકલાલ અધ્યારૃ તેમના પરિવાર સાથે મકાનના પ્રથમ માળે સુઈ રહયા હતા.

તે દરમ્યાન તસ્કરોએ મકાનના પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડીને મકાનમાં પ્રવેશ્યા હતા અને તીજોરીમાંથી અલગ અલગ દાગીના તેમજ વિવિધ ડોકયુમેન્ટ પણ ચોરી ગયા હતા. સવારના સમયે પરિવારજનો નીચે આવ્યા ત્યારે તિજોરી ખુલ્લી અને સામાન અસ્તવ્યસ્ત જોઈને ચોંકી ઉઠયા હતા. જેથી આ સંદર્ભે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઈ એચ.કે.શ્રીમાળી અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ગીરીશભાઈની ફરિયાદના આધારે ૩.૬૦ લાખની ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી હતી.

Previous articleધાનેરા ટીડીઓ પર તલાટી સહિત ત્રણ શખસોનો અડધી રાતે હૂમલો
Next articleઅમદાવાદમાં ૧૫ જાન્યુઆરીથી મેટ્રોનો પ્રથમ ટ્રાયલ રન શરૂ કરાશે