પિતાની યાદમાં પુત્રએ તળાવને દત્તક લીધું, ૬ કરોડના ખર્ચે ડેવલપ કર્યું

857

પરિવારના કોઈ મોભીનું મોત થાય તો અનેક લોકો તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતા હોય છે. કોઈ તેમની યાદમાં સ્મૂતિ ચિન્હ બનાવે છે, તો કોઈ ચબૂતરો, કોઈ પંખીઘર તો કોઈ પરબ, તો કોઈ સેવાભાવી સંસ્થાઓ બનાવીને દાનધર્મ કરતા હોય છે. પરંતુ મહેસાણાના ઉંઝા તાલુકામાં એક પાટીદાર પરિવારે એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં પિતાની યાદમાં આંખે એક વ્યક્તિએ આખા તળાવને ૯૯ વર્ષ સુધી દત્તક લઇને તેને ૬ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કર્યું છે. પિતાની સ્મૃતિ સરોવરનું નામ હીરાભા દત્ત સરોવર રાખવામાં આવ્યું છે. જેને આગામી ૧૫મી જાન્યુઆરીના રોજ ઊંઝા તાલુકાને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

ઊંઝા તાલુકાના મુક્તપુર ગામના વતની રમેશભાઈ અને તેમના પુત્ર કલ્પેશભાઈએ પોતના પિતા અને દાદા હીરાભાઇ અમથારામ પટેલની સ્મૃતિમાં સમાજને કંઈક આપવાનું નક્કી કર્યું હતું. તેથી આ ભાવના સાથે તેમણે ગામમાં આવેલ તળાવની પસંદગી કરી. જ્યાં વર્ષોથી બાવળ સિવાય કંઈ જ ઉગતુ ન હતું અને સાવ કોરુ હતું. આ તળાવમાં ઉતરતા પણ લોકોને બીક લાગતી હતી. પરંતુ રમેશભાઈ અને કલ્પેશભાઈને પગલે આ કાણિયા તળાવ આજે હીરાભા દત્ત તળાવ બની ગયું છે. ૬ કરોડના ખર્ચે આ તળાવ હકીકતમાં હીરા જેવું બની ગયું છે. રિનોવેશન બાદ તેનું હીરાની જેમ નક્શીકામ કરાયું હોય તેવું લાગે છે. હવે ગામના લોકો પણ આ તળાવને જોઈને મોઢુ મચકોડતા નથી, પણ જોઈને મલકાય છે.

એક સમયે રાતના અંધારામાં ભયજનક લાગતા, ગામનો કચરો ઠાલવવાનું સ્થળ બની ગયેલા આ પૌરાણિક કાણિયાં તળાવને રમેશભાઇ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી પ્રેરણા લઇ પુનઃ નિર્માણ કરવાનું સપનું જોયું. જેને હીરાભા દત્ત સરોવર તરીકે વિકાસ કરી આજે આખરી ઓપ અપાઇ રહ્યો છે. તળાવનું પુનઃ નિર્માણ થતાં ગામલોકોને મનોરંજન હેતુ હવે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે.

Previous articleકોંગ્રેસ દ્વારા જુની વી. એસ. ચાલુ રાખવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
Next article૧૭ થી ૨૨ જાન્યુ. આરટીઓમાં વાહન નોંધણી-પાસીંગ વિભાગ બંધ રહેશે