ગુજરાતમાં ૧૦ ટકા અનામત આજથી અમલી

710

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જનરલ કેટેગરીમાં આર્થિકરીતે નબળા વર્ગને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવાની બંધારણીય જોગવાઈને લીલીઝંડી આપી દીધાના એક દિવસ બાદ જ ગુજરાત સરકારે ૧૦ ટકા અનામતને અમલી કરવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ દેશમાં મોદી સરકારના નિર્ણયને અમલી કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.

હાલમાં જ યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આમા આવરી લેવાશે કે કેમ તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ ૧૦ ટકા અનામતનો લાભ આર્થિકરીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવશે. ઉત્તરાયણના એક દિવસ પહેલા જ ગુજરાત સરકારે મોટી ભેંટ સવર્ણના આર્થિકરીતે નબળા વર્ગને આપી દીધી છે. રાષ્ટ્રપતિએ બિલને મંજુરી આપીને કાનૂન બનાવી દીધાના એક દિવસ બાદ ગુજરાત સરકારે આને અમલી બનાવવાની જાહેરાત કરી દીધી છે.

આ સંદર્ભમાં વધુ સ્પષ્ટતા એક બે દિવસમાં જ કરવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રના ૧૦ ટકા આર્થિક અનામતનો અમલ ગુજરાતમાં તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહ્યો છે. આવતીકાલથી આને અમલી કરવામાં આવશે. હાલમાં સ્થગિત રાખવામાં આવેલી પરીક્ષાના સંદર્ભમાં પણ કેટલીક વાત કરવામાં આવી છે. રૂપાણી કેબિનેટની બેઠકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવ્યા બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. ૧૪મી જાન્યુઆરી પહેલા યોજાયેલી પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓના મામલે દુવિધાભરી સ્થિતિ સર્જાયેલી છે.

અત્રે નોંધનીય છે કે, પહેલા કેન્દ્રીય કેબિનેટે ૧૦ ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રસ્તાવને આગલા જ દિવસે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ તેને બહુમતિ સાથે મંજુરી મળી ગઈ હતી. લોકસભામાં આને મંજુરી મળ્યા બાદ તરત જ આગલા દિવસે રાજ્યસભામાં બંધારણીય સુધારા બિલ ૧૦૩ને રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં પણ કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓએ વિરોધ કર્યો હોવા છતાં બિલને સમર્થન આપતા આને મંજુરી મળી ગઈ હતી. બંને ગૃહોમાંથી મંજુરી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિએ પણ દિવસોના ગાળામાં જ આને મંજુરી આપી હતી. રાષ્ટ્રપતિની મંજુરી બાદ કાનૂન બન્યા પછી હવે ગુજરાત સરકારે સૌથી પહેલા આને અમલી કરવાનો નિર્ણય કર્યો છે. કાયદા અને ન્યાયમંત્રાલય દ્વારા શનિવારના દિવસે જ જાહેરનામુ જારી કરીને કેહવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિની મંજુરી બાદ કાનૂન બની ગયું છે. બંધારણની કલમ ૧૫ અને ૧૬માં આ પ્રસ્તાવ હેઠળ સુધારા કરવામાં આવ્યા હતા. નબળા વર્ગના લોકોને ખાસ રાહત આપવામાં આવી છે. ૯મી જાન્યુઆરીના દિવસે સંસદની મંજુરી આને મળી ગઈ હતી. ક્વોટાની યાદીમાં કેટલીક ખાસ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા પછાત જાતિઓ માટેના ક્વોટાને સ્પર્શ કર્યા વગર ૧૦ ટકા વધારાની જોગવાઈ કરવામાં આવી છે અને આને તરત અમલી કરવાનો નિર્ણય પણ હવે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં તરત અમલી કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

Previous articleભાનુશાળીની હત્યા બાદ હવે પરિજનને સુરક્ષા પુરી પડાઈ
Next articleરાજ્યભરમાં આજે ચારે બાજુ કાપ્યો-લપેટની ધૂમ