ભાજપે આપેલા હવાઈ કિલ્લા જેવા વચનો પુરા થાય તો ભાવનગર સહિત સૌરાષ્ટ્રને અનેક લાભ

1193

ખંભાતના અખાતમાં ૨૯ કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં દશ હજાર મીલીયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજયમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના ૨૫% જથ્થાનો સંગ્રહ થશે. ભાવનગરથી ભરૂચના વચ્ચે ૨૯ કિલોમીટરનો પૂલ અને ડેમ બાંધવાથી ગોહિલવાડને અનેક લાભ મળશે. ગુજરાતમાં નર્મદા યોજના બાદ અતિ મહત્વાકાંક્ષી ગણાતા કલ્પસર પ્રોજેક્ટને સાકાર થવામાં હજુ તો દશકા લાગી જવાના છે. કારણ કે હજુ તો ૧૯૬૦ના દશકામાં શરૂ થયેલી નર્મદા યોજના પણ ક્યાં પૂર્ણ થઇ છે.

આ સંજોગોમાં ભાવનગર અને ભરૂચ વચ્ચે આજથી ત્રણેક દશકા પહેલા રજૂ કરાયેલી ખાડીના પૂલ અને ડેમની યોજના સરકાર અને ખાસ તો હજારો લોકો માટે વધુ અસરકારક અને નિશ્ચિત સમય ગાળામાં અને કલ્પસરથી તદ્દન ઓછા ખર્ચે પૂર્ણ થઇ શકે તેમ છે.

આથી સરકાર માટે કલ્પસરની અપેક્ષાએ સારો વિકલ્પ આજે પણ છે. આ સમગ્ર પ્રોજેક્ટ ૧૨૦૦ કરોડમાં પૂર્ણ કરી શકાય તેમ હતો. જો કે આજની તારીખે તેમાં થોડો ખર્ચ વધે પણ કલ્પસરના આસમાની ૫૦ હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની તુલનામાં તો સારો વિકલ્પ ગણી શકાય તેમ છે.

કલ્પસરના કુલ ખર્ચના ૨.૪ ટકા ખર્ચે જ ખાડીનો પૂલ સાકાર થાય તેમ છે. આ ખાડીના પૂલ અને ડેમનો પ્રોજેક્ટ આજથી ૩૪ વર્ષ પહેલા ગુજરાતના પૂર્વ મંત્રી પ્રતાપભાઇ શાહે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. જે મુજબ ભાવનગરના ભાલ પંથકના ગઢુલાથી લઇ ભરૂચના દેવલા સુધી ૧૬ કિલોમીટર પૂલ બાંધવો અને તેની નીચે બાંધકામ કરી ડેમ બનાવી તેમાં મીઠા પાણીનો સંચય પણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત આ પૂલની સમાંતર પાણીની અને ગેસની લાઇન નાંખી શકાય તેમ વીજ લાઇન પણ બાંધી શકાય તેમ છે.

આ પૂલના કારણે ભાવનગરથી દક્ષિણ ગુજરાત વચ્ચેના અંતરમાં ૧૦૦થી ૧૫૦ કિલોમીટરનો ઘટાડો થાય તેમ છે. કલ્પસરની વાતો તો વર્ષોથી કરવામાં આવે છે. આજથી સવા દશક પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમ જણાવી કામગીરી શરૂ કરાવી છે. પણ ૨૦૧૯ આવી છતાં તેમાં કોઇ નોંધપાત્ર ડેવલપમેન્ટ થયું નથી.

Previous articleનરેન્દ્ર મોદીની ચા વેચવાની વાત પબ્લીસીટી સ્ટંટ : પ્રવિણ તોગડીયા
Next articleકૌભાંડ : મહિલાઓને રસોડાની કીટના બદલે કડીયાકામની કીટ અપાઇ