માલ્યાનું ભારત પ્રત્યાર્પણ કરવા બ્રિટનની મંજૂરી

480

ભારતની બેન્કો સાથે કરોડો રૂપિયાની લૂંટ ચલાવીને બ્રિટન ભાગી ગયેલા શરાબના વેપારના મહારથી વિજય માલ્યાનું ભારત પ્રત્યાર્પણ કરવાની બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવિદે મંજૂરી આપી દીધી છે. માલ્યા પર ભારતના કાયદા અનુસાર અદાલતમાં કામ ચલાવી શકાય એ માટે એની સોંપણી કરી દેવાની ભારત સરકારે કરેલી વિનંતીનો બ્રિટનના ગૃહ પ્રધાને સ્વીકાર કર્યો છે.

માલ્યા પર આરોપ છે કે એની માલિકીની કિંગફિશર એરલાઈન્સે ભારતની બેન્કો પાસેથી લીધેલી રૂ. ૯૦૦૦ કરોડની રકમની લોન ભરપાઈ કરી નથી. બ્રિટનના પ્રધાને ૩ ફેબ્રુઆરીના રવિવારે ઓર્ડર પર એમના હસ્તાક્ષર કરી દીધા હતા. માલ્યા સામે આરોપ છે કે એણે ભારતની બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરવાનું ષડયંત્ર રચવા, ખોટી રજૂઆતો કરવા અને મની લોન્ડરિંગ કરવાના ગુનાઓ કર્યા છે.

બ્રિટિશ ગૃહ પ્રધાનના ઓર્ડર સામે આખરી અપીલ કરવા માટે માલ્યા પાસે આજથી લઈને ૧૪ દિવસનો સમય છે.

માલ્યાનું ભારત પ્રત્યાર્પણ કરવાનો લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટનાં મેજિસ્ટ્રેટે ગયા વર્ષની ૯ ડિસેંબરે ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ આ ઓર્ડર બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવિદની મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો.

Previous articleઅનશન ઉપર ઉતરેલા અન્ના હજારે ‘પદ્મભૂષણ’ પરત કરશે
Next articleશારદા ચીટ ફંડ મામલે લોકસભામાં ધમાલ