અખિલેશને એરપોર્ટ ઉપર રોકી દેવાતા ભારે હોબાળો

484

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને અલ્હાબાદ યુનિવર્સિટી જતા પહેલા લખનૌ વિમાની મથકે રોકી લેવામાં આવ્યા બાદ રાજકીય ઘમસાણની સ્થિતિ જોવા મળી રહ છે. અખિલેશ વિમાનથી પ્રયાગરાજ જવા માટે અમોસી એરપોર્ટ પર પહોંચ્યા હતા પરંતુ વહીવટીતંત્રએ તેમને આગળ વધવાની મંજુરી આપી ન હતી. ત્યારબાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના લોકોએ આની સામે આક્ષેપો કર્યા છે. અખિલેશ યાદવને રોકવામાં આવતા પાર્ટીના લોકોએ જોરદાર દેખાવો કર્યા હતા. અખિલેશને રોકવામાં આવતા પોલીસ, વહીવટીતંત્ર અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. અખિલેશ યાદવે મોડેથી ટિ્‌વટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી.  અખિલેશના ટિ્‌વટ બાદ લખનૌ અને અલ્હાબાદમાં ધાંધલ ધમાલ થઇ હતી. સપાના ધારાસભ્યો અને કાર્યકરોએ રાજભવન ઉપર ધરણા કર્યા હતા. અખિલેશના ટિ્‌વટ બાદ સપાના કાર્યકરો એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ વણસી ગયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતુ ંકે, પ્રયાગરાજમાં કોઇપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે હેતુસર અખિલેશને રોકવામાં આવ્યા હતા. અખિલેશને રોકવામાં આવતા અલ્હાબાદ યુનિવર્સિટીમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. વિદ્યાર્થી નેતાઓ વચ્ચે તંગદિલી વધતા પોલીસ ટુકડી તૈનાત કરવામાં આવી હતી. અખિલેશે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, એક વિદ્યાર્થી નેતાના શપથ ગ્રહણ કાર્યક્રમથી સરકાર ગભરાઈ ગઈ છે. અખિલેશને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અખિલેશે કહ્યું હતું કે તેમને લખનૌ વિમાની મથકે પકડી લેવાયા હતા. તેમને જવાની મંજુરી મળી ન હતી. ટિ્‌વટર હેન્ડલથી પણ અખિલેશે ઘણા ટિ્‌વટ કર્યા હતા. સપા અરાજકતા ફેલાવવા માટે બદનામ છેઃ યોગી આદિત્યનાથ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્પષ્ટિકરણ આપતા જણાવ્યું હતું કે, પ્રયાગરાજમાં કુંભ ચાલી રહ્યો છે. હજી ૧૦ દિવસ પહેલા જ અખિલેશ કુંભ ગયા હતાં. માટે આ વખતે અલાહાબાદ યૂનિવર્સિટીમાં કોઈ અરાજકતા ના સર્જાય તે માટે અખિલેશને અટકાવવામાં આવ્યા હતાં. યૂનિવર્સિટી પ્રશાસન અને પ્રયાગરાજ જીલા પ્રશાસને પણ આ પ્રકારની માંગણી કરી હતી. યોગીએ જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અરાજકતા ફેલાવવા માટે બદનામ છે, અખિલેશ યૂનિવર્સિટીમાં જતા તો ત્યાં પણ બબાલ થઈ શકત. વિદ્યાર્થીઓના જુથો વચ્ચે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને તેમને અટકાવવામાં આવ્યા હતાં.

Previous articleઝુડિયોએ ભાવનગરમાં એકસક્લૂઝિવ સ્ટોર ખોલ્યો
Next articleપૂર્વ CBI ચીફ નાગેશ્વરને આખો દિવસ કોર્ટમાં પાછળ બેસી રહેવાની સજા થઈ