અયોધ્યા કેસ : મધ્યસ્થી મામલે સુપ્રીમનો ચુકાદો અનામત રહ્યો

522

રાજકીયરીતે સૌથી સંવેદનશીલ રામજન્મ ભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થીની સંભાવના હજુ પણ દેખાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આજે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્ત અને નિરીક્ષણ હેઠળ મધ્યસ્થીને લઇને ચુકાદો અનામત રાખ્યો હતો.

અયોધ્યા જમીન વિવાદ મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો મધ્યસ્થી ઉપર અનામત રાખતા આને લઇને  પણ સસ્પેન્સની સ્થિતિ અકબંધ રહી છે.  સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, રામજન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ મધ્યસ્થી માટે રિફર કરવામાં આવી શકે છે કે કેમ તે અંગે વહેલીતકે ચુકાદો આપવા માટે ઇચ્છુક છે.

સાનુકુળ ઉકેલ સુધી પહોંચવા માટે સંભવિત મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચે મધ્યસ્થીઓના નામ આપવા તમામ સંબંધિત પક્ષોને સૂચના આપી હતી. આ બેેંચમાં એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ, એસએ નઝીર પણ હતા. બેંચે ચુકાદો અનામત રાખ્યો હતો. હિન્દુ સંસ્થાઓ નિર્મોહી અખાડા સિવાય મધ્યસ્થી માટેના મામલાને રિફર કરવાના કોર્ટના સુચનનો વિરોધ કર્યો હતો. જો કે, મુસ્લિમ સંસ્થાઓએ આ સૂચનને ટેકો આપ્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતા ઉત્તરપ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત રહ્યા હતા. તૂષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, જ્યારે પ્રવર્તમાન કેસનો ઉકેલ દેખાય ત્યારે જ મધ્યસ્થી માટે આ મામલાને સોંપી શકાય છે. મધ્યસ્થી પર તમામ પક્ષોમાં સહમતિ થઇ ન હતી. સુપ્રીમ કોર્ટમાં હિન્દુ મહાસભાએ સ્પષ્ટ વલણ અપનાવતા કહ્યું હતું કે, મધ્યસ્થી કોઇપણ કિંમતે શક્ય નથી. ભગવાન રામની જમીન છે અને તેના પર અન્ય કોઇને હક નથી. હિન્દુ મહાસભાએ પોતાની રજૂઆતમાં મધ્યસ્થીનો વિરોધ કર્યો હતો. હિન્દુ પક્ષોએ કહ્યું હતું કે, મધ્યસ્થી એક નિરર્થક પ્રયાસ તરીકે છે.   અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં આ મામલાની સુનાવણી આવતીકાલથી શરૂ થશે. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુસ્લિમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.  રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જોગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો. આજે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ, નિર્મોહી અખાડા અને રામ લલ્લા તરફથી રજૂઆત કરવામાં આવી હતી. સુન્ની વક્ફ બોર્ડ દ્વારા પણ દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમે તમામ રજૂઆત સાંભળી હતી.

Previous articleઅકુંશરેખા ઉપર ભીષણ ગોળીબાર યથાવત જારી
Next articleકરતારપુર કોરિડોર મામલે ચર્ચા કરવા પાક પ્રતિનિધિમંડળ ૧૪ માર્ચે ભારત આવશે