ગોધરાકાંડ : યાકુબને જન્મટીપની સજા

746

ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ગોધરા રેલ્વે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડી ૫૯ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના જઘન્ય હત્યાકાંડમાં ૬૨ વર્ષીય આરોપી યાકુબ પાતળીયાને સીટની સ્પેશ્યલ કોર્ટે આજીવન કેદની આકરી સજા ફટકારતો મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. સાબરમતી જેલમાં સ્પેશ્યલ કોર્ટે આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. સીટની સ્પેશ્યલ કોર્ટે આરોપી યાકુબ પાતળીયાને ગોધરાકાંડનું કાવતરૂ ઘડવામાં અને ગુનામાં સક્રિય ભૂમિકા બદલ જન્મટીપની સજા ફટકારી હતી. સીટની સ્પેશ્યલ કોર્ટના સ્પેશ્યલ જજ એચ.સી.વોરાએ પોતાના ચુકાદામાં મહત્વપૂર્ણ નીરીક્ષણ પણ કર્યા હતા અને આરોપીના ગુનાહિત કૃત્યને અતિ ગંભીર ગણાવી તેને જન્મટીપની આકરી સજા ફટકારી હતી. ગત તા.૨૭-૨-૨૦૦૨ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચને આગ લગાડવાના અને ૫૯ કારસેવકોને જીવતા ભુંજી નાંખવાના જઘન્ય હત્યાકાંડ બાદ આરોપી યાકુબ પાતળિયા નાસતો ફરતો હતો. જો કે, ગયા વર્ષે ૨૦૧૮માં યાકુબ પાતળિયા ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાંથી પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયો હતો. જેથી સીટ દ્વારા યાકુબ પાતળિયા વિરૂધ્ધ પૂરવણી ચાર્જશીટ દાખલ કરાયું હતુ અને તેની વિરૂધ્ધનો ટ્રાયલ ચાલી ગયો હતો. જેમાં સરકાર તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર એન.એન. પ્રજાપતિએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપી પાતળીયા એક અતિ ગંભીર અને જઘન્ય હત્યાકાંડમાં સક્રિય રીતે સંડોવાયેલો છે અને તેની વિરૂધ્ધ નકક્કર-મજબૂત પુરાવાઓ પણ તપાસનીશ એજન્સી પાસે છે.

આ કેસના આરોપીઓ તા.૨૬-૨-૨૦૦૨ના રોજ ગોધરામાં કાળાભાઇ પેટ્રોલપંપ ખાતેથી સેંકડો લિટર પેટ્રોલ કેરબામાં ભરી ભરીને આરોપી રજાક કુરકુરના અમન ગેસ્ટાહાઉસની પાછળના ઘરમાં લાવ્યા હતા અને તે કાવતરાના ભાગરૂપે છુપાવી રાખ્યા હતા. તા.૨૭મીએ ગોધરા રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન આવી ત્યારે વહેલી સવારે ૭-૪૨ મિનિટે ચેઇન પુલીંગ બાદ ટ્રેન ઉભી રહી ત્યારે આરોપી અને તેમની ટોળકીના અન્ય સભ્યોએ પથ્થરમારો શરૂ કર્યો હતો અને કારસેવકોને ટારગેટ કર્યા હતા. બીજીબાજુ, તેમના કોરગ્રુપના માણસો ટેક્સીમાં પેટ્રોલના અગાઉથી છુપાવી રાખેલા કેરબા લાવ્યા અને એસ-૬ કોચને તોડફોડ કરી પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી. જેમાં ૧૨૦ લિટર પેટ્રોલનો ઉપયોગ કરાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ જઘન્ય હત્યાકાંડમાં ૨૯ પુરૂષ, ૨૨ મહિલા અને આઠ બાળકો મળી કુલ ૫૯ કારસેવકો જીવતા ભુંજી નાંખવામાં આવ્યા હતા. આમ, આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વ્યાખ્યામાં આવતો કેસ છે.  બનાવ વખતે આરોપી નાની ઉમંરનો હતો અને કોર્ટે તેના ગુનાની ગંભીરતા ધ્યાને લેવી જોઇએ કારણ કે, આ બનાવ બાદ કેટલાક પરિવારો બરબાદ થઇ ગયા, કેટલાય લોકો અનાથ થઇ ગયા અને કેટલાયની જીદંગી બગડી ગઇ ત્યારે કોર્ટે આરોપીને આકરામાં આકરી સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પીપી એન.એન.પ્રજાપતિની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ કોર્ટે આરોપી પાતળીયાને આજીવન કેદની સજા ફટકારી હતી.

Previous articleરાજ્યના ઘણા શહેરોમાં હાર્દિક સમાજનો ગદ્દારના બેનર લાગ્યા
Next articleલોકસભા ચૂંટણીમાં પ્રથમવાર દિવ્યાંગ માટે મતદાન કેન્દ્ર હશે