યાદી જાહેર કરવાના મામલે કોંગ્રેસમાં હજુય ભારે દુવિધા

847

લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસમાં હાલ ઉમેદવારોની પસંદગીને લઇ કશ્મકશ ચાલી રહી છે. જો કે, ભાજપ આમ જોવા જઇએ તો કોંગ્રેસની સરખામણીએ ભારે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે કારણ કે, ભાજપે તેના ૧૬ બેઠકો માટેના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે અને બાકીના દસ ટૂંક સમયમાં જ જાહેર કરવાની વેતરણમાં છે ત્યારે કોંગ્રેસ હજુ ૨૬ બેઠકોમાંથી ચાર જ બેઠકોના નામ જાહેર કરી શકી છે અને બાકી ૨૨ બેઠકો પર કોંગ્રેસમાં હજુ મડાગાંઠ સર્જાઇ છે. કોંગ્રેસ હાઇકમાન્ડ અને સ્થાનિક મોવડીમંડળ પણ જ્ઞાતિવાદના રાજકારણમાં કયાંક કાચુ ના કપાય સમગ્ર યાદી ઘોંચમાં પડી હોવાની વાત સામે આવી રહી છે અને તેથી સમગ્ર યાદી વિલંબિત થઇ રહી છે. જો કે, કોંગ્રેસ દ્વારા પણ શકય એટલી ઝડપથી ગમે તે ઘડીયે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવાની મથામણ ચાલી રહી છે. જેને લઇને સ્થાનિક રાજકારણ ગરમાયું છે.  કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં આણંદ ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્ચિમ રાજુ પરમાર, વડોદરામાં પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુર રણજિતસિંહ રાઠવાને ટિકિટ ફાળવી હોવાની જાહેરાત કરાઇ છે.

પરંતુ બાકીની બેઠકો માટે ખાસ કરીને પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી સહિતની બેઠકોને લઇ યોગ્ય અને જીતે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં કોંગ્રેસને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. કારણ કે, આ બેઠકો બહુ મહત્વની અને પ્રતિષ્ઠિત હોઇ કોંગ્રેસ તેની પર કોઇપણ ભોગે ખોટો જુગાર ખેલવાના મૂડમાં નથી. આ વખતે કોંગ્રેસ બને એટલી મહત્તમ બેઠકો કબ્જે કરવાનો જુસ્સો ધરાવે છે અને તેથી એકેએક ડગલું સાચવી સાચવીને ભરી રહી છે. અત્યાર સુધી ગુજરાતની ૨૬ લોકસભાની સીટોને લઇને ભાજપે તો ૧૬ સીટાપર પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે. હવે ભાજપને બાકી રહેલી ૧૦ સીટોમાં પોતાના ઉમેદવારો નક્કી કરવાના બાકી છે. તેમાં કોની ટિકીટ કપાશે અને કોને ટિકીટ મળશે તે જોવાનું રહ્યું. બીજી બાજુ કોંગ્રેસની વાત કરીએ તો ગુજરાતમાં માત્ર માંડ ચારથી પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરી શક્યું છે. હજી લોકસભાની બીજી સીટો માટે ઉમેદવારોમાં ખેંચતાણ ચાલી રહી છે. જેના કારણે કોંગ્રેસ હજી અન્ય સીટો પર પોતાના ઉમેદવારો નક્કી કરી શક્યું નથી. બીજી બાજુ રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોના મતે, કોંગ્રેસ વેઇટ અને વોચની નીતિ અપનાવી ભાજપના તમામ સીટો પર પોતાના ઉમેદવાર નક્કી થાય તેના બાદ પોતાના ઉમેદવારોને રણભૂમિમાં ઉતારવા માંગે છે. જેના કારણે તેઓ ભાજપના ઉમેદવાર સામે સક્ષમ ઉમેદવાર ઉભો રાખી શકે. લોકસભાના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં હાલ જોરદાર કોકડું ગૂંચવાયેલું છે. ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી સહિતની બેઠકોને લઇ દાવેદારોની ખેંચતાણથી કોંગ્રેસ મુંઝવણમાં દેખાઇ રહી છે. કોંગ્રેસમાં તમામ સીટોને લઇને પેનલ તૈયાર કરાઇ હોવા છતાં જાહેરાત કરવામાં આવતી નથી. ઉતાવળમાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો રોષનો ભોગ ના બનવુ પડે અને તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર ના પડે તે બાબત પણ કોંગ્રેસ ખાસ ધ્યાન રાખી રહી છે, તે હેતુથી જ તમામ પાસાઓનો વિચાર કરીને બહુ સુરક્ષિત રીતે જ યાદી જાહેર કરવાનું મન બનાવ્યું છે.

Previous articleટાઉન હોલ ખાતે મતના મૂલ્ય અંગેની જાગૃત્તિ લાવવા અને વી.વી.પેટ.નો નિદર્શન કાર્યક્રમ યોજાયો
Next articleકામો ન કરનારા સાંસદો અને ધારાસભ્યોની વિરૂદ્ધ પોસ્ટરો