ડ્રાઈવરોની કેડરમાં વધારો કંડકટરનો સમાવેશ નહી કરાતાં કંડકટરોમાં રોષ

1364

એસ ટી નિગમના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા સાતમાં પગારપંચનો લાભ આપ્યો હોવા છતાં એક જ કેડરના કર્મચારીઓને અલગ અલગ કેડરમાં સમાવેશ કરાતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. ડ્રાયવરોના બેઝિક પગાર વધારીને વર્ગ-૩ કેડરમાં સમાવેશ કર્યો જ્યારે કંડક્ટરનો બેઝિક પગાર વધાર્યો પરંતુ તેમને વર્ગ-૪માં રખાતા કંડક્ટરોમાં રોષ ઉઠવા પામ્યો છે. ડ્રાયવર અને કંડક્ટર એક જ કેડરના કર્મચારીઓ હોવાથી ઉભી થયેલી વિસંગતતાને તાકિદે દુર કરવાની માંગ ઉઠવા પામી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની લડતને અંતે રાજ્ય સરકાર દ્વારા સાતમા પગારપંચનો લાભ આપ્યો હતો. જોકે સાતમાં પગારપંચની સાથે સાથે કર્મચારીઓની અન્ય માંગણીઓને પણ સંતોષવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એક જ કેડરના કર્મચારીઓની એક જ સરખી કામગીરી હોવા છતાં તેમને મળવાપાત્ર લાભ આપવામાં એકને ગોળ અને એક ખોળની નિતી અપનાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રાઇવરનો ગ્રેડ પે રૂપિયા ૧૬૫૦થી વધારીને રૂપિયા ૧૮૦૦ કરી દીધો અને જ્યારે કંડક્ટરનો ગ્રેડ પે રૂપિયા ૧૪૦૦ થી વધારીને રૂપિયા ૧૬૫૦ કરવામાં આવ્યો છે. જેને પરિણામે ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણ) નિયમો-૨૦૧૬ મુજબ અને તેની જોગવાઇઓ આધીન સ્કેલ ટુ સ્કેલના ધોરણે સીધા ૫૨૦૦-૧૮૦૦-૨૦૨૦૦ના માળખામાં ડ્રાઇવર આવી જવાથી તેઓ વર્ગ-૩માં સમાવેશ થયો છે. જ્યારે કંડક્ટરનો ગ્રેડ પે રૂપિયા ૧૬૫૦ કરાતો તેઓ સ્કેલ ટુ સ્કેલના ધોરણે સીધા ૪૪૪૦-૧૬૫૦-૭૪૪૦ના માળખામાં આવતા તેઓ વર્ગ-૪માં જ રહ્યા છે.

ઉપરાંત સાતમા પગારપંચના પે મેટ્રીક સ્કેલમાં તેમને રૂપિયા ૧૫૭૦૦ના બેઝીકમાં પગાર ફિક્સેશન કરવામાં આવ્યું હોવાનું કંડક્ટરોએ જણાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ડ્રાયવર અને કંડક્ટરને વર્ગ-૩માં સમાવવાની જાહેરાત લોલીપોપ પુરવાર થઇ હોવાનો આક્ષેપ કંડક્ટરોએ કર્યો છે. કંડક્ટરોને વર્ગ-૩માં સમાવેશ કરવાનો તાકિદે નિર્ણય લેવામાં આવે તેવી માંગણી એસ ટી નિગમના કંડક્ટરોમાં ઉઠવા પામી છે.

Previous articleઅમિત શાહ સામે દિગ્ગજ શંકરસિંહ વાઘેલાને ઉતારવાની હિલચાલથી માહોલ ગરમાયુ
Next articleધાર્મિક મંદિરનું લોકશાહીના મંદીર માટે અનોખુ અભિયાનઃ મત માટે અપીલ