હાર્દિક કેસ : આજે સોગંદનામુ રજૂ કરી દેવા હાઈકોર્ટનો હુકમ

1224

વિસનગરના ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં પોતાને દોષિત ઠરાવતાં વિસનગર સેશન્સ કોર્ટના હુકમને પડકારતી કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજીમાં આજે રાજય સરકાર દ્વારા ફરી એકવાર જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવતાં હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.  હાર્દિકને થયેલી બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. લોકસભાની ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થાય તે માટે હાઇકોર્ટમાંથી રાહતમ માંગતી હાર્દિક અરજીની સુનાવણી દરમ્યાન આજે હાઇકોર્ટે સરકારપક્ષને એવી ગંભીર ટકોર કરી હતી કે, હાઇકોર્ટ ટુકડે ટુકડે આ કેસનું હીયરીંગ નહી કરે, સરકાર આવતીકાલે સવારે ૧૧-૦૦ વાગ્યા સુધીમાં આ કેસમાં પોતાનો જવાબ રજૂ કરી દે અને ત્યારબાદ હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી હતી.

બીજીબાજુ, હાર્દિક પટેલે તેના કેસમાં સરકાર દ્વારા જવાબ રજૂ નહી કરવાના વલણને વખોડી કાઢયું હતું. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિસનગરના કેસમાં દોષી ઠેરવવાના ચુકાદા પર સ્ટે મુકવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ આર.પી. ધોલરિયાએ આ અરજી અગાઉ નોટ બિફોર મી કરી હતી. ત્યારબાદ તા.૧૫મી માર્ચે હાઈકોર્ટમાં આ મેટરની સુનાવણી હાઇકોર્ટના જસ્ટિસ એ.જી.ઉરેઝીની કોર્ટમાં નીકળી હતી. જેની સુનાવણી દરમ્યાન સરકારપક્ષ તરફથી જવાબી સોંગદનામું રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે તા.૧૯મી માર્ચના રોજ કેસની સુનાવણી રાખી ત્યાં સુધીમાં જવાબ રજૂ કરવા સરકારપક્ષને તાકીદ કરી હતી પરંતુ રાજય સરકાર તરફથી આજદિન સુધી જવાબ રજૂ કરાયો ન હતો. જેની સામે હાર્દિકના વકીલે વિરોધ નોંધાવ્યો હતો તો, ખુદ હાઇકોર્ટે પણ આ મામલે નારાજગી વ્યકત કરી હતી અને આવતીકાલ સુધીમાં જવાબ રજૂ કરી દેવા રાજય સરકારને કડક તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વિસનગર સેશન્સ કોર્ટે હાર્દિકને થયેલી બે વર્ષની સજા પર તો સ્ટે આપ્યો છે, પરંતુ તેને દોષિત ઠેરવતા આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. જેના કારણે તેને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે તેમ હોઇ તેણે હાઇકોર્ટમાં અરજી કરી રાહત માંગી છે. ચકચારભર્યો આ કેસ એવો છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે અગાઉ કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.

Previous articleરાજ્યમાં ગરમી, હિટવેવની ચેતવણી
Next article૩૦મી માર્ચે લોકસભાના ઉમેદવાર તરીકે વાજતે-ગાજતે ફોર્મ ભરશે : શાહ