શેરબજારમાં શ્રેણીબદ્ધ આશાસ્પદ પરિબળ વચ્ચે તેજીના સ્પષ્ટ સંકેત

505

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબાર દરમિયાન નવ પરિબળોની અસર જોવા મળે તેવી શક્યતા છે. આરબીઆઈની પોલિસી, ચૂંટણી અને વૈશ્વિક પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા ભજવશે. આરબીઆઇ દ્વારા વ્યાજદરમાં કોઇ ઘટાડો કરવામાં આવશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ છેલ્લા ચાર વર્ષમાં સર્વશ્રેષ્ઠ રહ્યા બાદ લોકો આશાવાદી દેખાઈ રહ્યા છે. સેંસેક્સમાં આ નાણાંકીય વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે જેથી ઇક્વિટી બેંચમાર્ક હવે ઓલટાઇમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. નવા સપ્તાહમાં વિવિધ પરિબળો જવાબદાર રહેશે જેમાં આરબીઆઈ પોલિસી સમીક્ષાનો પણ સમાવેશ થાય છે. આરબીઆઈની પોલિસી સમીક્ષા ઉપરાંત મહત્વના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ અને સર્વિસ પીએમઆઈના આંકડા ક્રમશ મંગળવાર અને ગુરુવારના દિવસે જારી કરવામાં આવશે. માર્કેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં ૧૪ મહિનાની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેલ્સ, ઉત્પાદન અને રોજગારના ક્ષેત્રમાં સ્થિતિમાં સુધારો થયો હતો. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર મંત્રણામાં નવી પ્રગતિ જોવા મળી રહી છે. હાલના નવેસરના પ્રવાહ દર્શાવે છે કે, એફપીઆઈ ભારતીય ઇક્વિટીમાં મજબૂત વિશ્વાસ ધરાવે છે. એફપીઆઈ દ્વારા માર્ચ મહિનામાં ૪૮૭૫૧ કરોડ રૂપિયા ભારતીય ડેબ્ટ અને ઇક્વિટી માર્કેટમાં ઠાલવી દીધા છે. જો આ પ્રવાહ જારી રહેશે તો શેરબજાર ટૂંક સમયમાં જ ઓલટાઈમ હાઈ સપાટી ઉપર પહોંચી શકે છે. સ્થાનિક ઓટો મોબાઇલ કંપનીઓના આંકડા પહેલી એપ્રિલના દિવસથી જારી કરવામાં આવનાર છે. આવતીકાલથી આંકડા જારી કરાયા બાદ તેની અસર પણ જોવા મળશે. ક્રૂડની કિંમત અને ડોલર સામે રૂપિયાની ચાલ પણ મહત્વની ભૂમિકા અદા કરશે. ભારતમાં ક્રૂડની કિંમતોની અસર જોવા મળી શકે છે. શુક્રવારના દિવસે ક્રૂડની કિંમતમાં એક ટકાનો ઉછાળો થયો હતો. નિફ્ટી દ્વારા તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન શેરબજારમાં સુધારો રહ્યો હતો અને સેંસેક્સમાં ૫૦૮ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા બે મહિનામાં જોરદાર લેવાલી બાદ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વિદેશી મૂડીરોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જાણકાર લોકોના કહેવા મુજબ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારા, રૂપિયામાં નબળાઈ, ક્રૂડની કિંમતમાં તેજી, ચાલુ ખાતાકીય ખાધ વધવા અને રાજકોષીય ખાધ ઘટવાના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

Previous articleFPI દ્વારા ૨૦૧૮-૧૯માં ૪૪,૫૦૦ કરોડ ખેંચાયા છે
Next articleવ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે : લોન સસ્તી થઇ શકે