ધાનાણી, ભરતસિંહ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા

843

ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇ અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે આજે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરીને પોતાને ફાળવાયેલી લોકસભા બેઠક માટેની વિધિવત્‌ ઉમેદવારી નોંધાવી હતી. આજે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમાર, અમરેલીથી પરેશ ધાનાણી, આણંદથી ભરતસિંહ સોલંકી, પોરબંદરથી લલિત વસોયા, રાજકોટથી લલિત કગથરા અને પંચમહાલથી વી.કે.ખાંટએ પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, જરૂરી સોગંદનામાં પણ રજૂ કર્યા હતા. આજે ભરતસિંહ સોલંકી સહિતના ઉપરોકત ઉમેદવારો પોતાના ઉમેદવારીપત્રો ભરવા માટે રેલી-સરઘસ મારફતે પોતાના ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. અમરેલી બેઠક માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમના સેંકડો સમર્થકો-ટેકેદારો સાથે રેલી સ્વરૂપે અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં વિધિવત્‌ રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી ઔપચારિકતા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે ધાનાણીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર અને ભાજપના કુશાસનના કારણે આજે અર્થતંત્ર પડી ભાંગ્યુ છે, દેશમાં બેરોજગારી અતિશય હદે વધી ગઇ છે, નોકરી-ધંધા અને રોજગાર છીનવાઇ ગયા છે ત્યારે આ તમામ સમસ્યાનું સમાધાન હવે સત્તા પરિવર્તન જ છે અને મતદારોએ આ વખતે કોંગ્રેસને તક આપી લોકશાહીને વિજયી બનાવવી જોઇએ તેવી તેમણે અપીલ કરી હતી.  દરમ્યાન અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ પરમાર તેમના સેંકડો સમર્થકો-ટેકેદારો અને અમ્યુકો વિપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી, એડવોકેટ ઇકબાલ શેખ સહિતના આગેવાનો સાથે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પહેલા રાજુ પરમારે આ આગેવાનો સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી તેમને શ્રધ્ધાંજલિ અર્પી આશીર્વાદ પણ લીધા હતા. આ જ પ્રકારે આણંદ લોકસભા બેઠક માટે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માથામાં સાફો બાંધી દેવદર્શન કરી માથે તિલક લગાવ્યા બાદ સેંકડો સમર્થકો સાથે પોતાનું ઉમેદવારીફોર્મ ભર્યું હતું. પોરબંદરથી લલિત વસોયા, રાજકોટથી લલિત કગથરા અને પંચમહાલથી વી.કે.ખાંટે પણ પોતપોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા. કોંગ્રેસના  દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારીપત્ર ભરતાં કોંગ્રેસમાં ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો અને કોંગ્રેસની છાવણીમાં જીતની આશા બંધાઇ હતી.

Previous articleએહમદ પટેલ અને શકિતસિંહ ચૂંટણી નહીં લડે તેવી સંભાવના
Next articleકોંગ્રેસના વધુ ૬ ઉમેદવારો ઘોષિત : બે નામ હજુ બાકી