મતદાર યાદીમાં નામને જોવા માટે હવેથી સરળ રીત રહેશે

1006

આગામી તા. ૨૩ એપ્રિલે ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકની ચૂંટણી યોજાશે. દેશભરમાં લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાનાર હોઈ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે.  અમદાવાદ (પૂર્વ) અને અમદાવાદ (પશ્ચિમ) બેઠકના મતદારોમાં પણ લોકસભાની ચૂંટણીને લઈ અત્યારથી ભારે ઉત્સાહ જોવા મળે છે. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા મતદારોને પોતાનું નામ મતદારયાદીમાં ચકાસવાના ત્રણ વિકલ્પ અપાયા છે અને તેઓનું નામ મતદારયાદીમાં છે કે નહી તે ચકાસી લેવા અનુરોધ પણ કરાયો છે. અનેક કિસ્સામાં મતદાર ઉત્સાહભેર ચૂંટણી ઓળખપત્ર લઈને મતદાન કરવા જાય છે તે વખતે મતદારયાદીમાં તેમનું નામ ન હોય તો તેમને મતાધિકારથી વંચિત રહેવું પડે છે. આવી સ્થિતિને ટાળવા માટે મતદારોને ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીમાં નામ ચકાસવા અપાયેલા ત્રણ વિકલ્પને અજમાવવા જરૂરી થઈ પડે છે. પહેલા વિકલ્પ તરીકે મતદાર ટોલ ફ્રી નંબર-૧૯૫૦નો ઉપયોગ કરી શકે છે.બીજા વિકલ્પ પેટે ચૂંટણીપંચની સત્તાવાર વેબસાઈટ સીઇઓ. ગુજરાત. એનઆઇસી.ઇન છે તો ત્રીજા વિકલ્પમાં મતદાર જે તે મામલતદાર કચેરીએ જઈને ત્યાં મુકાયેલી મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકે છે. અમદાવાદ જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા અમદાવાદ શહેર-જિલ્લાના તમામ મતદારનો સમાવેશ કરતી સીડી તૈયાર કરાઈ છે. આ સીડી મતદારોને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાંથી પ્રતિસીડી રૂ. ૧૦૦ના મૂલ્યથી ઉપલબ્ધ છે, જોકે હજુ સુધી એક પણ સીડીનું વેચાણ થયું નથી, જ્યારે ચૂંટણીપંચ દ્વારા દેશના ભાજપ, કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, આપ, સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષ એમ કુલ છ રાષ્ટ્રીય પક્ષને સીડી વિનામૂલ્યે અપાઈ રહી છે. જો કે, એક જાગૃત મતદાર તરીકે પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહી તે ચકાસી લેવામાં જ સમજદારી અને સાચી જાગૃતતા છે.

Previous articleકોંગ્રેસના વધુ ૬ ઉમેદવારો ઘોષિત : બે નામ હજુ બાકી
Next articleભાજપાની ૧૬મી યાદી જાહેર થઈ, રાયબરેલીમાં સોનિયા વિરુદ્ધ દિનેશ