ધો.-૯ની વિદ્યાર્થી પરીક્ષાના ડરથી ભાગી ગઈ : પોલીસે પરત સોંપી

716

ધોરણ-૯માં નાપાસ થવાના ડરથી ગાંધીનગર સ્થિત પોતાના ઘરેથી નીકળેલી વિદ્યાર્થિની વડોદરા સ્ટેશન ઉપર રડતી હતી. રેલવેના મિસિંગ સ્ક્વોડ દ્વારા આ છોકરીનો કબજો મેળવી તેના પરિવારજનોને હવાલે કરી છે. પરિવારજનોને છોકરીએ જોતા જ તે ધ્રુસકે…ધ્રુસકે રડી પડી હતી. અને પરિવારજનોની માફી માંગી હતી.

રેલવે પોલીસ મથકના પી.આઇ. વાય.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં રહેતી અને ધોરણ-૯માં અભ્યાસ કરતી કાજલ (નામ બદલ્યું છે) નાપાસ થવાના ડરથી ગુરૂવારે ઘરેથી નીકળી ગઇ હતી. અને ઓખા અર્નાકુલમ એક્સપ્રેસમાં બેસી ગઇ હતી. વડોદરા રેલવે સ્ટેશન આવતા કાજલ ઉતરી ગઇ હતી. સ્ટેશનના બાકડા ઉપર બેસીને ધ્રુસકે..ધ્રુસકે રડતી હતી.

રેલવે પોલીસ તંત્ર દ્વારા મિસિંગ થયેલા બાળકોને શોધી કાઢવા માટે ખાસ મિસિંગ સ્ક્વોડ બનાવવામાં આવ્યું છે. આ સ્ક્વોડના એ.એસ.આઇ. પ્રવિણાબહેન, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ બાલુભાઇ સ્ટેશન પર ફરી રહ્યા હતા. તે સમયે તેમની નજર બાંકડા ઉપર બેસીને રડી રહેલી કાજલ ઉપર પડતા તેણે પોલીસ મથકમાં લઇ આવ્યા હતા. જ્યાં તેની પૂછપરછ કરતા તેણે નાપાસ થવાના ડરથી ઘરેથી નીકળી આવી હોવાનું જણાવ્યું હતું.

કાજલે તેના પરિવારજનનો ફોન નંબર આપતા તેઓનો સંપર્ક કર્યો હતો. અને કાજલને લઇ જવા માટે જણાવતા કાજલની માતા દીકરી કાજલને લેવા માટે વડોદરા આવી પહોંચી હતી. કાજલે માતાને જોતા જ તે રડી પડી હતી. અને પોતાની માતાની માફી માંગી હતી.

Previous articleમહાનગર પાલિકા દ્વારા જાહેરમાં કચરો સળગાવનાર સામે કડક હાથે પગલાં ભરાશે
Next articleસ્ટેટીક સર્વેલન્સની ટીમો દ્વારા તા. ૫ એપ્રિલ સુધીમાં કુલ- ૪,૮૮૪ વાહનોનું અને ૧૨,૬૭૮ વ્યક્તિઓનું ચેકીંગ કર્યું