સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર ગારિયાધારનાં શખ્સને ૭ વર્ષની સજા

1009

બે વર્ષ પૂર્વે ગારિયાધારના એક શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ અપહરણ કરી તેની ઇચ્છા વિરૂદ્ધ અવાર નવાર સંભોગ કરી જાતીય સતામણી કર્યાની પોલીસ ફરીયાદ જે તે સમયે આરોપી સામે નોંધાય હતી. આ અંગેનો કેસ ભાવનગરના પાંચમાં એડીશ્નલ સેસન્સ જજ વી.એ. રાણાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતકુમાર વોરાની દલીલો વિગેરે આધાર પૂરાવા ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.૦૪-૧૧-૨૦૧૭ના રોજ ગારીયાધાર મુકામે આ કામના ફરીયાદીની દીકરીને રાજુભાઇ રજાક અલારખભાઇ દલ (ઉ.વ.૨૬ રહે. ગારીયાધાર) નામના શખ્સે લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના વાલી પણાંમાંથી ભગાડી લઇ જઇ અપહરણ કરી તેણીની સાથે તેની ઇચ્છા વિરૂદ્ધ અવાર નવાર સંભોગ કરી જાતીય સતામણી કરેલ આ બનાવ અંગેની ફરીયાદીએ સંબંધીત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ પોક્સો એક્ટ ૪, ૮, ૧૮ મુજબનો ગુન્હો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ શુક્રવારે ભાવનગરના પાંચમાં એડીશ્નલ સેસન્સ જજ વી.એ. રાણાની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતકુમાર વોરાની દલીલો, દસ્તાવેજી પૂરાવા-૩૧, મૌખિક-૨૦, વિગેરે આધારા પૂરાવા ધ્યાને લઇ આરોપી રાજુ ઉર્ફે રજાક દલને તકસીરવાન ઠેરવી ઇપીકો કલમ ૩૭૬, પોક્સો એક્ટ ૪, ૮, ના ગુન્હા માટે તકસીરવાન ઠેરવી સાત વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ રૂા.૨૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો ૧ વર્ષની વધુ કેદની સજા અદાલતે ફટકારી હતી. ઉપરાંત દંડ પૈકીની વસુલ આવેલ રકમમાંથી ભોગ બનનારને રૂા.૧૫ હજારનું વળતર ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

Previous articleપાલીતાણા મામલતદારને આવેદન અપાયું
Next articleઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી