જો કમળને મત નહી આપો તો ઠેકાણે પાડી દઇશ : શ્રીવાસ્તવ

816

વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં ગઈકાલે વાઘોડિયા ખાતે જાહેરસભા યોજાઇ હતી. આ જાહેરસભામાં સંસદીય સચિવ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના મતદારોને ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી ધમકી આપી હતી કે, જો કમળને મત નહીં આપો તો ઠેકાણે પાડી દઇશ. બીજીબાજુ, મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો આજે સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થતાં લોકોમાં આ પ્રકારની લુખ્ખી ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ અને ફિટકાર વરસી રહ્યો છે. જેની સીધી અસર પરિણામો પર પડવાની અને ભાજપને મોટો ફટકો પડવાની શકયતા પણ રાજકીય વિશ્લેષકો વ્યકત કરી રહ્યા છે.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા ખાતેની પ્રચારસભામાં બેફામ વાણીવિલાસ કરતાં જણાવ્યું હતું કે, બધા જ બુથની અંદર કમળનું નિશાન નીકળવું જોઈએ. જો કમળના નિશાન નહીં નીકળે, તો કાન ખોલીને સાંભળી લેજો ગેરકાયદેસર રહેતા લોકોને ઠેકાણે પાડી દઇશ. હું લડતો નથી. દાદાગીરી કરીને કહું છું.

તમોને વર્ષોથી પાલવી રહ્યાં છીએ. પાણી, ડ્રેનેજ, લાઇટ વગેરેની સુવિધા પૂરી પાડી રહ્યા છીએ. તમે વેરો પણ ભરતા નથી અમને ખબર છે. આ વખતે પણ કમળ ખીલવાનું છે. તેમાં બે મત નથી અને હિંદુસ્તાનની ગાદી પર નરેન્દ્ર મોદી જ બેસવાના છે. તેમાં પણ બે મત નથી. ભાજપને સત્તા ઉપર બેસતા કોઇ રોકી શકશે નહીં. આ પ્રકારે નિર્દોષ નાગરિકો અને મતદારોને ખુલ્લેઆમ ધમકી આપી લુખ્ખાગીરી કરવાના ભાજપના ધારાસભ્યના વલણને લઇ હવે લોકોમાં જોરદાર આક્રોશ અને ફિટકાર વરસી રહ્યો છે. લોકોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે, ભાજપ હવે લોકોને ડરાવવાની અને ધમકી આપવાની રાજનીતિ બંધ કરી દે..પાટીદારોને ભાજપે આ રીતે ભોગ બનાવ્યા છે પરંતુ હવે રાજયની જનતા કંઇ ડરવામાં કે તેની ધમકીને તાબે થનારી નમાલી જનતા નથી, આ ગુજરાતની ખમીરવંતી અને બહાદુર પ્રજા છે, જે ચૂંટણીમાં ભાજપને તેની જ ભાષામાં જોરદાર જવાબ આપશે. બીજીબાજુ, ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વાઈરલ થયેલા વીડિયોથી પણ લોકોમાં ભાજપ સામે જોરદાર નારાજગી ઉઠવા પામી છે, જેને લઇ હવે વડોદરામાં ચૂૂંટણીનું રાજકારણ ગરમાયું છે અને સ્થાનિક રાજકીય વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવે પણ વડોદરા લોકસભા બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હતી. પરંતુ ભાજપ દ્વારા રિપીટ થીયરી અપનાવીને રંજનબહેન ભટ્ટને ટિકિટ આપી છે.

Previous articleઆર્થિક સંકળામણમાં વધુ એક ખેડૂતે જીવનનો અંત આણ્યો
Next articleભ્રષ્ટાચાર મામલે ફરી એકવાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બંધ