વધુ ઉમેદવાર હોય તેવી સીટ વધારાના બબ્બે બેલેટ યુનિટ

1101

ગઇકાલે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જેના કારણે હવે ગુજરાતમાં ચૂંટણી સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજ્યની ર૬ બેઠક પૈકી સુરેન્દ્રનગર, જામનગરમાં સૌથી વધુ અને પંચમહાલ, દાહોદ, ખેડામાં સૌથી ઓછા ઉમેદવાર ચૂંટણીજંગમાં ઊતર્યા છે. દરમ્યાન ચૂંટણીપંચ દ્વારા સુરેન્દ્રનગર-ગાંધીનગર અને અમદાવાદ (પૂર્વ)માં વધારે ઉમેદવારો હોઇ જે તે વિધાનસભા વિસ્તારમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. રાજ્યની સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાંથી સૌથી વધુ ૩૧ ઉમેદવાર છે. આ બેઠક પર ઉમેદવારની સંખ્યા પંદરથી વધારે હોઇ ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકદીઠ બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટ મૂકીને મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની કવાયત આરંભાઇ છે. જ્યારે ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના સી.જે. ચાવડા વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે, જોકે ગાંધીનગરમાં કુલ ૩૪ ઉમેદવાર પૈકી ૧૭ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતાં હવે કુલ ૧૭ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર પણ ૧પથી વધુ સંખ્યામાં ઉમેદવાર હોઇ ત્યાં મતદાન મથકદીઠ બે બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે. અમદાવાદ (પૂર્વ)ની બેઠક પરથી ભાજપના એચ.એસ.પટેલ અને કોંગ્રેસનાં ગીતાબહેન પટેલ મુખ્ય સ્પર્ધકો છે, જોકે આ બેઠક પરથી કુલ ૩૦ ઉમેદવારમાંથી ગઇકાલ સાંજ સુધી ચાર ઉમેદવાર પાણીમાં બેસવાથી હવે કુલ ર૬ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હોઇ આ બેઠક પરના મતદાન મથક માટે બે ઇવીએમ અથવા બેલેટ યુનિટ અનિવાર્ય બન્યાં છે. દરમ્યાન જિલ્લાના અધિક ચૂંટણી કમિશનર ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, આ ત્રણે બેઠકના વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક પર આગામી બે દિવસમાં બે ઇવીએમ મશીન અથવા તો બેલેટ યુનિટની વ્યવસ્થા ઊભી કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે એક બેલેટ યુનિટમાં પંદર ઉમેદવાર અને એક નોટા મત સહિત કુલ ૧૬ બટનની જોગવાઇ હોય છે. હાલ તો રાજયના વિવિધ મતદાન મથકો પર ઇવીએમ મશીન સહિતની વ્યવસ્થા કરવામાં ચૂંટણી તંત્ર ભારે વ્યવસ્તતામાં જોતરાયેલું છે.

Previous articleકોંગ્રેસે હંમેશા ખોખલા વચન જ આપ્યા : વિજય રૂપાણીનો દાવો
Next articleમોદી આજે ગુજરાતમાં : બે જાહેરસભા સંબોધવા તૈયાર