પાણીજન્ય રોગચાળો વકર્યોઃ ટાઈફોઈડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો

612

એક સપ્તાહથી શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડ અને ઝાડા ઊલટીના કેસમાં વધારો થવાની સાથે જ તાવના કેસમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઝાડા-ઊલટી, કમળાના અને ટાઈફોઈડના કેસ વધુ ને વધુ નોંધાઈ રહ્યા છે.

ઉનાળાની ગરમીએ દરવાજે દસ્તક દેતાં જ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ખાનગી દવાખાનાં-હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. ૧૦૮ ઇમર્જન્સી સેવામાં છેલ્લા બે દિવસમાં ૩૪૧ અને રાજ્યમાં ૧૫૦૦ કેસ નોંધાયા છે.

એપ્રિલમાં જ અધધધ કહી શકાય તેટલા ૧૨,૪૩ જેટલા કેસ સિવિલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગના થયા હોવાનું જાણવા મળે છે. જેમાં ઝાડા-ઊલટીના ૮૦૦થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે કમળાના ૨૧૨ કેસ, ટાઈફોઈડના ૨૦૦ કેસ નોંધાયા છે. ગત વર્ષે એપ્રિલ માસમાં ૯૮૭ કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં ચાલુ વર્ષે એપ્રિલ માસમાં બસોથી વધુ જેટલા વધુ કેસ નોંધાયા છે.

તેમાં પણ કમળાના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષે એપ્રિલ માસમાં કમળાના ૧૬૩ કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે ૨૧૨ કેસ નોંધાયા છે. પાણીજન્ય રોગચાળા ઉપરાંત મચ્છરજન્ય રોગચાળાએ પણ શહેરમાં માઝા મૂકી છે. એપ્રિલ માસમાં સાદા મેલેરિયાના ૨૪૮ કેસ નોંધાયા છે.

આ વખતે શિયાળો લાંબો ચાલ્યો પણ સાથે ઉનાળાની શરૂઆત આરંભે જ આક્રમકઃ હજુ તો અર્ધો એપ્રિલ અને મે, જૂન પૂરા અઢી મહિના બાકી છે. અત્યારે સરકારી ચોપડે જ મોટી સંખ્યામાં ઝાડા ઊલટી, કમળાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ખાનગી દવાખાનાં કે હોસ્પિટલનો આંકડો આનાથી ત્રણ ગણો વધી શકે છે.

૧૦૮ ઇમર્જન્સી સેવામાં છેલ્લા બે દિવસમાં જ પેટના દુખાવાના ૯૬, હાઈ બ્લડપ્રેશરના ૧૬, છાતીમાં દુખાવાના-૩૭, ગરમીમાં ચક્કર આવવાના ૩૬, પડી જવાના ૪૬, ઝાડા ઊલટીના ૫૦ અને ગરમીથી બેભાન થઈ જવાના ૬૧ કેસ સાથે કુલ ૩૪૧ કેસ નોંધાયા છે. જયારે રાજ્યભરમાં માત્ર બે દિવસમાં ૧૫૦૦ લોકોએ ગરમીના કારણે થતા રોગની તકલીફથી ૧૦૮ ઇમર્જન્સીની મદદ લીધી છે.

Previous articleઇસનપુરમાંથી ડાકોર-પાવાગઢ પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યું
Next articleઅમીરગઢના ખારા ગામે વૃધ્ધ ઉપર રીંછનો હુમલો