અલ્પેશને કોંગ્રેસ સસ્પેન્ડ કરે તેવી સંભાવના

802

કોંગ્રેસ સાથે તાજેતરમાં છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરે તા.૧૦મી એપ્રિલે ફેસબુક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપતો પત્ર મૂક્યો હતો પરંતુ સત્તાવાર રીતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું નહી પહોંચાડયું હોવાની વાત સામે આવતાં ભારે વિવાદ સામે આવ્યો હતો. અલ્પેશ ઠાકોરે બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરીને સમાજના નામે તમામ પદો પરથી કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. બીજીબાજુ, ગઈકાલે બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રદેશ નેતાગીરી હાઈકમાન્ડને વિશ્વાસમાં લઇ અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે. જો હાઈકમાન્ડ પગલાં લેશે અને સસ્પેન્ડ કરશે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ થશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવાયા છે અને તેના સ્થાને અજય કપૂરને બિહારના સહપ્રભારી બનાવાયા છે. અલ્પેશ ઠાકોરે ગઇકાલે દિયોદરની સભામાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા કે, કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો એટલે હવે તેમને તાકાત બતાવી દેવાનો સમય આવી ગયો છે. સંઘર્ષના સમયે જોડાયો અને અનેક સીટો પર ક્રાંતિ કરી બતાવી. ૮૦ ટકાથી વધુ મતદાન એક તરફી કરાવ્યું પરંતુ ૨૦૧૭ની ચૂંટણી બાદ ધીરે-ધીરે અવગણના કરી, નિયમો બતાવવા લાગ્યા, તોછડાઈભર્યું વર્તન થવા લાગ્યું, મેં શું ભુલ કરી એ મને સમજાતી નથી, જ્યાં દીવા હતા ત્યાં હેલોજન આપી, અરે અમે તો પ્રેમથી માગો તો સર્વસ્વ આપી દઈએ, અનેક બાબતોમાં ભેદભાવ જોયો, ટિકિટોમાં સોદા થતા હતા, ક્યાંક ભલામણ કરાતી હોય, એક બાબત ચોક્કસ જોઇ ઈમાનદાર અને મજબૂત લોકોને નબળા લોકો દબાવવાનો પ્રયત્ન કરે છે. કોંગ્રેસે વિશ્વાસઘાત કર્યો છે, તેમને હવે તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.

આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે અને ઘણા લોકોમાં ગેસ ભરાઇ ગયો છે. ગેસના બાટલાથી તેમનો ગેસ નીકાળી દેવો છે. બીજાને હરાવવા અમે નથી નીકળ્યા. અમે તો જીતવા નીકળ્યા છીએ તેનો પાવર બતાવી દેવો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિવાદમાં આવનાર અલ્પેશ ઠાકોર સામે હવે કોંગ્રેસ પણ આકરી કાર્યવાહી કરવાના મૂડમાં છે કારણ કે, અલ્પેશે તેનું રાજીનામું પહેલા મીડિયા સમક્ષ રજૂ કર્યું પરંતુ કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડયુ નહી, તેને લઇને પણ તેના ઇરાદાઓ સામે ગંભીર સવાલો ઉઠયા છે. ગઇકાલે અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પ્રચારમાં ઉતરી કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હવે અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે તેમ છે.

 

 

Previous articleહવે IPL પર ત્રાસવાદી હુમલો થઇ શકે : એલર્ટની જાહેરાત થઇ
Next articleરાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવતઃ પારો ૪૩ને પાર