હાર્દિક પટેલને સભામાં ફડાકો ઝીંકાયો

685

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી. જેમાં તરૂણ ગજ્જર નામના ભાજપના મનાતા કાર્યકરે હાર્દિક પટેલને જોરદાર થપ્પડ મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર તરૂણ ગજ્જરને બરેહમીથી માર માર્યો હતો. જેને પગલે તેને ઇજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બીજીબાજુ, હાર્દિક પટેલ પર હુમલાને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે.

એકબાજુ, આ હુમલો ભાજપે કરાવ્યો હોવાનો અને ભાજપ તેને મારી નાંખવા માંગે છે તેવો ગંભીર આરોપ હાર્દિક પટેલે લગાવ્યો છે, તો સાથે સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો.મનીષ દોશી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓએ હાર્દિકને થપ્પડની ઘટનાની ભારોભાર નિંદા કરી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બીજીબાજુ, ભાજપે આ સમગ્ર મામલામાંથી હાથ ઉંચા કરી પોતાનો તેમાં કોઇ હાથ નહી હોવાનો બચાવ રજૂ કર્યો હતો. હાર્દિક પટેલને લાફો મારનાર યુવક તરૂણ ગજ્જર હોવાનું જાણવા મળ્યું છે. તે કડીના જેસલપુર ગામનો રહેવાસી છે અને ભાજપના શક્તિ કેન્દ્રનો ઈન્ચાર્જ હોવાનું જાણવા મળે છે. હાર્દિક પટેલે ઘટના માટે ભાજપ પર ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, ભાજપ મને મારી નાખવા માંગે છે અને મારા પર હુમલા કરાવે છે.

મને પ્રચાર કરતો રોકવા આ ભાજપનું ષડયંત્ર છે.  હાર્દિકે ભાજપ હાર ભાળી ગયુ છે, તેથી હતાશામાં હવે ગમે તેવા નિંદનીય અને લોકશાહી પ્રણાલિ વિરૂધ્ધના કૃત્યો કરી રહ્યું છે. આજે હુમલો કરનાર શખ્સ ભાજપનો માણસ છે અને સમગ્ર કાવતરું પૂર્વઆયોજિત હતું. હાર્દિકે સરકારની સીકયોરીટી સ્વીકારવાનો પણ ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સીકયોરીટી નહી જાસૂસ મોકલે છે.

આજે વઢવાણના બલદાણા ગામે હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે દાઢીવાળો એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો. અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી. પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હતો. લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્‌યો હતો. આ ઘટનાને પગલે લોકસભાની ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું હતું. ખાસ કરીને રાજયભરના પાટીદાર સમાજમાં આ ઘટનાના  ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પાસના નેતા મનોજ પનારા, પૂર્વ નેતા દિનેશ બાંભણીયા સહિતના નેતાઓએ હુમલાને વખોડી ભાજપને ગંભીર ચેતવણી આપી હતી. પાટીદાર સમાજ દ્વારા આ હુમલાનો બદલો ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાનો મેસેજ પણ પાટીદાર સમાજમાં વાયરલ થઇ રહ્યો છે.  દરમિયાન હાર્દિક પટેલ પર તરૂણ ગજ્જર નામના યુવક દ્વારા થપ્પડ મારી હુમલો કરાયા બાદ પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ અને માણાવદર એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ ઉપર હુમલો થયાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગત સાંજે પ્રચારમાં નીકળેલા ભાજપના કાર્યકર દિપક વડાલીયા સહિતના કાર્યકરોએ રેશ્મા પટેલ સાથે બોલાચાલી કરી હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રેશ્મા પટેલને આ હુમલામાં ઇજા પહોંચતા સારવાર માટે વંથલીની સરકારી હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા છે. આ અંગે બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઇ રહ્યા છે. જો કે, હાર્દિક બાદ રેશમા પટેલ પર પણ ભાજપના કાર્યકરો દ્વારા જ હુમલો થતાં પાટીદાર સમાજમાં ભાજપ પરત્વે આક્રોશ ભભૂકી ઉઠયો હતોે.

ચૂંટણી પ્રચાર કરવા ગયેલ રેશ્મા પટેલ પર હુમલો, ભાજપ પર આરોપ મુકાયો

જૂનાગઢ લોકસભા અને માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુરુવારે રેશ્મા પટેલ તેમનાં સર્મથકો સાથે માણાવદર બેઠકનાં વંથલીનાં વોર્ડ નં. ૧માં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. ત્યારે વોર્ડ નં. ૧ના ભાજપનાં કાર્યકર દિપક વડાલીયાએ રેશ્મા સાથે ઉગ્ર બોલાચાલી કરી બાદમાં તેની ઉપર હુમલો કર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ હુમલામાં રેશ્મા પટેલને ઇજા થતા તેઓ વંથલી ખાતેના સરકારી દવાખાનામાં દાખલ થયા છે. પોતાના ઉપર હુમલો થયાની ઘટના અંગે એનસીપી નેતા રેશ્મા પટેલે જણા્યું હતું કે, હું પ્રચાર માટે ગઇ હતી.

ત્યારે ભાજપા કાર્યકર્તાઓએ કહ્યું કે આ ભાજપનો ગઢ છે અને જવાહર ચાવડાનો ગઢ છે અહીં પ્રચાર કરવાનો નહીં અને હું ત્યાંથી શાંતિથી નીકળતી હતી.

ત્યારે એક કાર્યકર ઉભો થઇને મારા ગળા ઉપર ફેંટ મારી અને મારી છાતી ઉપર હાથ મારીને મારી સાથે ઝપાઝપી કરી હતી. અને ગાળાગાળી કરવા માંડ્યો. અમે જવાહર ચાવડાના માણસો છીએ. બસો જણાનું ટોળું તારા ઉપર ચડાવી દઇશું. ભાજપના કાર્યકરો જવાહર ચાવડાના નામે ગુંડાગર્દી કરવા ઉપર ઉતરી ગયા છે.

બીજી તરફ ભાજપના કાર્યકર્તા અને વંથલી શહેર ભાજપ મહામંત્રી દિપક વડાલીયાએ જણાવ્યું હતું કે, હનુમાનના મંદિરે હતા હનુમાન જ્યંતિ હોવાથી સાફસફાઇ કરતા હતા. ત્યારે રેશ્મા પટેલ સાથે ૧૦થી ૧૨ મળતીયા આવ્યા અને મારો કાંઠલો પકડીને કહ્યું કે તું મહામંત્રી થઇ ગયો છે અને બહુ ભાજપનું કામ કરે છે. આજે તને ઉપાડી જવા માટે આવ્યા છીએ. એમ કહીં મારવા લાગ્યા હતા.

Previous articleહાર્દિકના આંદોલનના કારણે હું, પત્ની ખુબ જ હેરાન થયા
Next articleબાબરામાં ડમ્પર અને બાઇકનાં અકસ્માતમાં બે યુવાનોના મોત