પાટનગરમાં ૨૯ એપ્રિલ સુધીમાં તાપમાન ૪૪ થી ૪૬ ડિગ્રી વચ્ચે રહેશે

794

સૂર્યનારાયણના પ્રકોપનો અનુભવ નગરવાસીઓને આગામી તારીખ ૨૯મી, એપ્રિલ સુધી થશે તેમ તાપમાનનો પારો ૪૪ થી ૪૬ ડીગ્રી વચ્ચે રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે કાળઝાળ ગરમીને લીધે નગરવાસીઓ હીટવેવનો ભોગ બને નહી તે માટે કામ સિવાય ઘરની બહાર નહી નિકળવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને મહાપાલિકાએ લોકોને અપીલ કરી છે.

છેલ્લા એકાદ માસથી ગરમીનો પારો ૪૦ ડીગ્રીની આસપાસ ઘૂમ્યા કરે છે. ત્યારે સુકા પવનો ફુંકાવવાથી ગરમીનો પારો આગામી સમયમાં વધારે ઉંચકાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આગામી તારીખ ૨૯મી એપ્રિલ સુધી તાપમાનનો પારો ૪૪ થી ૪૬ ડીગ્રીની વચ્ચે રહેવાનો હોવાથી લોકોને હિટવેવથી કેવી રીતે બચી શકાય તેની જાણકારી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ગાંધીનગર દ્વારા લોકોને આપી છે. બપોરના સમયે કામ સિવાય ઘરની બહાર નહી નિકળવું, સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, પાણી, છાશ, લીંબુ શરબત, ઓઆરએસ, તાડફળી, નારિયેળનું પાણી કે અન્ય પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવા લોકોને અપીલ કરી છે. કામ અર્થે બપોરે ઘરની બહાર નિકળવાનું થાય તો ભીના કપડાથી માથું ઢાંકીને રાખવું અને અવાર નવાર ભીના કપડાથી શરીરને લુછવું, ઉપવાસ કરવો નહી, બજારનો ખુલ્લો અને વાસી ખોરાક નહી આરોગવા જણાવ્યું છે.

ગરમીથી બચવા માટે ઘરની છત ઉપર સફેદ રંગ, ચુનો કે સફેદ ટાઇલ્સ લગાવવી જેથી ઘરના તાપમાનમાં ઘટાડો નોંધાશે. તડકામાં ફરવાથી જો માથાનો દુખાવો, ચક્કર આવે, બેભાન થઇ જવાય, પરસેવો વધારે થાય, અશક્તિનો અનુભવ થાય, ચામડી લાલ સુકી અને ગરમ થઇ જાય, ઉબકા અને ઉલટીઓની સાથે સાથે અશક્તિ કે ખેંચ આવે તો સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર કે નજીકના ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરીને સારવાર લેવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રએ જણાવ્યું છે.

Previous articleતુવેર કૌભાંડ પછી પંચમહાલમાં બહાર આવ્યું ૧.૫૬ કરોડનું અનાજ કૌભાંડ
Next articleફરાર હિરાકારોબારી નિરવ મોદી ૨૪ સુધી રિમાન્ડ પર